મુંબઇઃ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેના સ્થાને શુભમન ગિલને ટીમમાં સમાવેશ કરાયો છે. શુભમન ગિલને પ્રથમવાર ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય ટીમમાં કોઇ ફેરફાર કરાયો નથી.  લોકેશ રાહુલ લાંબા સમયથી ખરાબ ફોર્મમાં છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સ્થાન અપાયું નથી. લોકેશ રાહુલ છેલ્લા એક વર્ષમાં ટેસ્ટ ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે છેલ્લી 12 ઇનિંગમાં તેમના નામ એક પણ અડધી સદી ફટકારી નથી. તાજેતરમાં જ ખત્મ થયેલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં 2 ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 44 રન હતો. બે ટેસ્ટમાં તેણે 101 રન બનાવ્યા હતા. આ અગાઉ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ નિષ્ફળ રહ્યો હતો ત્યાં 3 ટેસ્ટ મેચમાં તેનો હાઇએસ્ટ સ્કોર 44 રન હતો. આ કારણે મેલબોર્નમાં રમાયેલી ટેસ્ટમાં તેને બહાર કરી દેવાયો હતો. લોકેશ રાહુલે છેલ્લે ગયા વર્ષે ઓક્ટોબર 2018માં ઇગ્લેન્ડમાં  50 રનથી વધારેની ઇનિંગ રમી હતી. વર્ષ 2018માં રાહુલે 12 ટેસ્ટમાં 468 રન બનાવ્યા અને સરેરાશ ફક્ત 22.28 હતો. 2019માં આ વર્ષે તેણે ત્રણ ટેસ્ટ મેચ રમી હતી અને તેની સરેરાશ 22 હતી. વિદેશમા રાહુલનો સરેરાશ ફક્ત 30 ટકા છે જે સ્તરહીન છે. ઓસ્ટ્રેલિયા, ઇગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમો વિરુદ્ધ તેની સરેરાશ 40થી નીચે છે. જે ઓપનિંગ બેટ્સમેન માટે સારી કહી શકાય નહીં.