ભારત સામે ફાઇનલમાં હાર બાદ આ બાંગ્લાદેશી ખેલાડીની ઉડી ગઈ ઊંઘ, જાણો શું કહ્યું
ભારત 18મી ઓવર પૂરી થઈ ત્યાં સુધી પાંચ વિકેટ પર માત્ર 133 રન બનાવી શક્યું હતું અને 12 બોલમાં જીતવા 34 રનની જરૂર હતી. તે સમયે કાર્તિક બેટિંગમાં ઉતર્યો અને રૂબેલની ઓવરમાં બે છગ્ગા અને એક ચોગ્ગો મારીને ભારતીય ટીમને હારવા નહીં દે તેવો સંદેશ આપ્યો હતો.
ભારતને 20મી ઓવરના છેલ્લા બોલ પર મેચ જીતવા પાંચ રનની જરૂર હતી. આ સમયે કાર્તિકે સૌમ્ય સરકારના બોલ પર સિક્સ ફટકારીને ભારતને અકાલ્પનિક જીત અપાવી હતી.
ભારતના વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકની 8 બોલમાં 29 રનની વિસ્ફોટક બેટિંગના કારણે બાંગ્લાદેશે આપેલા 167 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ભારતે નિદાહાસ ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.
નવી દિલ્હીઃ નિદાહાસ ટ્રોફીની ફાઈનલ મેચમાં બાંગ્લાદેશના થયેલા પરાજય બાદ ફાસ્ટ બોલર રૂબેલ હુસૈનની ઊંઘ ઉડી ગઈ છે. ભારત સામે મળેલી હાર માટે રૂબેલ ખુદને જવાબદાર માની રહ્યો છે અને આ માટે તેણે પ્રશંસકોની માફી માંગી છે.
બાંગ્લાદેશના અખબાર ‘પ્રોથોમ આલો’ને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબેલે કહ્યું, હું હાર બાદ ખૂબ ખરાબ અનુભવી રહ્યો છું. મેં વિચાર્યું નહોતું કે આ હારનું કારણ હું બનીશ. અમે ફાઇનલમાં જીતની નજીક હતા પરંતુ મારા કારણે અમે મેચ હારી ગયા. આ હાર બદલ હું પ્રશંસકોની માફી માંગું છું.
રૂબેલનું માનવું છે કે 19મી ઓવરમાં તેની બોલિંગમાં ભારતીય ક્રિકેટરોએ બનાવેલા 22 રન જ બાંગ્લાદેશની હાર માટે જવાબદાર છે. જેના કારણે ભારત તેમની પાસેથી મેચ છીનવી ગયું.