નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદનો કાર્યકાળ ખતમ થયા બાદ તેમના સ્થાને પૂર્વ ક્રિકેટર સુનીલ જોશીની નિમણૂક કરવામાં આવી છે. એમએસકે પ્રસાદ 2015માં રોજર બિન્નીના સ્થાને ટીમ ઈન્ડિયા મુખ્ય પસંદગીકર્તા બન્યા હતા. પાંચ વર્ષના કાર્યકાળ પર વાત કરતાં પ્રસાદે જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં અનેક મુશ્કેલ ફેંસલા લેવામાં આવ્યા પરંતુ એમએસ ધોનીનો વિકલ્પ શોધવો તેમના માટે સૌથી મુશ્કેલ હતો. જે તેઓ કરી શક્યા નહોતા.


સૌથી મુશ્કેલ ફેંસલો ?

ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રસાદે કહ્યું, એમએસ ધોની અને યુવરાજ સિંહ બંને ટીમ ઈન્ડિયાના મહત્વના અને દિગ્ગજ ખેલાડી છે. તેમના વિકલ્પ શોધવા અને તૈયાર કરવા સૌથી મુશ્કેલ હતું. કોઈ આસાનાથી તેમનું સ્થાન લઈ શકે તેમ મને નથી લાગતું. હું મારા કાર્યકાળ દરમિયાન આ બંનેનો વિકલ્પ શોધી ન શક્યો, જેનો મને વસવસો છે.  નવા ચહેરાને શોધવા અને તેમને તૈયાર કરવાનું અમારું કામ હતું. મર્યાદીત ઓવરના ક્રિકેટમાંથી રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનને ડ્રોપ કરવા સૌથી મુશ્કેલ ફેંસલો હતો.

કોહલીને કેમ સોંપી કેપ્ટનશિપ ?

પ્રસાદે કોહલીની પ્રશંસા કરતાં કહ્યું, જ્યારે ધોનીએ કેપ્ટનશિપ છોડી તો અમે સરળતાથી તેનું સ્થાન લઈ શકે અને ટીમ પર વધારે અસર ન પડે તેવો વ્યક્તિ ઈચ્છતા હતા. વિરાટ કોહલી આ બધામાં બંધ બેસતો હતો અને તેણે  ધોનીનું સ્થાન લીધું અને ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની. ટીમની સફળતા જોઈ અમને સિલેકટર્સ તરીકે ઘણો સંતોષ થયો અને અમે તેનો શ્રેય લેવા માંગીએ છીએ.

એમએસકે પ્રસાદ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઓછો અનુભવ હોવાના સમયાંતરે આરોપ લાગ્યા હતા. જેને લઈ તેણે કહ્યું,  ટ્રેવર હોન્સે માત્ર 6 ટેસ્ટ મેચ જ રમી છે. તેમ છતાં ઓસ્ટ્રેલિયાની પસંદગીસમિતિનો ચેરમેન છે. રમત પ્રત્યે તેમની કટિબદ્ધતાને લઈ ઘણી પ્રશંસા થાય છે.