કોહલી અને બુમરાહને વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે અને ટી-20 સીરિઝમાં આરામ અપાશે
abpasmita.in | 23 Jun 2019 09:00 PM (IST)
કોહલી અને બુમરાહ બે ટેસ્ટ મેચોની સીરિઝમાં પાછા ફરશે. બંન્ને ટેસ્ટ મેચ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને વર્લ્ડકપ બાદ આરામ આપવામાં આવશે. બુમરાહ અને કોહલીને ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થઇ રહેલી વન-ડે સીરિઝ માટે આરામ આપવામા આવી શકે છે. કોહલી અને બુમરાહ બે ટેસ્ટ મેચોની સીરિઝમાં પાછા ફરશે. બંન્ને ટેસ્ટ મેચ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો હિસ્સો છે. નામ ન આપવાની શરતે બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું કે, વિરાટ અને બુમરાહને ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝમાં આરામ આપવામાં આવશે. વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝથી સતત રમી રહ્યો છે. વર્લ્ડકપ બાદ કેટલાક અન્ય ખેલાડીઓને પણ આરામ આપવામાં આવી શકે છે. જો ભારત ફાઇનલ સુધી પહોંચે છે તો ટીમના મહત્વના ખેલાડીઓ 14 જૂલાઇ સુધી રમશે જેને કારણે મુખ્ય બેટ્સમેન અને બોલરોને આરામ આપવો જરૂરી રહેશે. જોકે, કોહલી અને બુમરાહ ટેસ્ટ સીરિઝમાં જોડાઇ જશે જે 22 ઓગસ્ટથી એન્ટિગામાં શરૂ થઇ રહી છે.