લોર્ડ્સ: વર્લ્ડ કપમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 49 રનથી હાર આપી હતી. આ હાર સાથે સેમી ફાઈનલમાં પહોંચવાની સાઉથ આફ્રિકાની આશાનો અંત આવ્યો હતો. 309 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 259 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી ડૂપ્લેસિસે સૌથી વધુ 63 રન બનાવ્યા હતા. તે સિવાય ડિકોકે 47 રનની ઈનિંગ રમી હતી. આ અગાઉ અમલા મેચની બીજી ઓવરમાં 2 રને મોહમ્મદ અમીરનો શિકાર બન્યો હતો. મેચની અંતિમ ઓવરોમાં ડૂશેને 36 રન અને મિલરે 31 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી સદાબ ખાન અને વહાબ રિયાજે 3-3 વિકેટ જ્યારે મોહમ્મદ આમીરે 2 વિકેટ ઝડપી હતી.
આ અગાઉ સાઉથ આફ્રિકાને જીત માટે પાકિસ્તાને 309 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટના નુકશાન પર 308 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિશ સોહેલે આક્રમક રમત રમતા 59 બોલમાં 89 રન ફટકાર્યા હતા. બાબર આઝમે પણ 69 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી નગીડીએ 3 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ટીમમાં બે ફેરફાર કર્યા હતા. શોએબ મલિક અને હસન અલીના સ્થાને હારિસ સોહેલ અને શાહીન શાહ આફ્રિદીનો સમાવેશ કરાયો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમમાં કોઈ ફેરફાર કરાયો નહોતો.