નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ બસપા સુપ્રીમો માયાવતીએ પ્રથમ વખત પાર્ટીની બેઠક યોજી હતી. માયાવતીએ બસપાના સંગઠનમાં ફેરફાર કરતા ભાઈ અને ભત્રીજા પર ભરોસો મુક્યો છે. માયાવતીએ ભાઈ આનંદ કુમારને ફરી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા, જ્યારે ભત્રીજા આકાશને નેશનલ કોર્ડિનેટરની જવાબદારી સોંપી છે. આ વખતે પાર્ટીમાં બે નેશનલ કોર્ડિનેટર બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામજી ગૌતમને પણ નેશનલ કોર્ડિનેટર બનાવવામાં આવ્યા છે.


જાણકારી મુજબ આ બેઠકમાં દેશભરમાંથી સંગઠનના આશરે 500 જેટલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં જતા પહેલા તમામ લોકોના મોબાઈલ, પેન અને ચાવીઓ જમા કરી લેવામાં આવી હતી.

પાર્ટીમાં ઉપાધ્યક્ષ જ અધ્યક્ષ બાદ સૌથી તાકતવર હોય છે. ભાઈ આનંદ હવે બહેન માયવતી બાદ પાર્ટીમાં નંબર બે નેતા હશે. માયાવતીએ પોતાના ભત્રીજા આકાશને બસપામાં નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા છે. આનંદનો પુત્ર આકાશ છેલ્લા બે વર્ષથી માયાવતી સાથે જ જોવા મળે છે. લોકસભા ચૂંટણી પહેલા જ માયાવતીએ તેને મોટી જવાહદારી આપવાની જાહેરાત કરી હતી. માયાવતીએ ભત્રીજા આકાશને દેશભરમાં બસપાના સંગઠનને મજબૂત કરવાની જવાબદારી સોંપી છે.

ભત્રીજા આકાશને માયાવતીના રાજકીય ઉત્તરાધિકારી માનવામાં આવે છે. વિદેશમાં અભ્યાસ કર્યા બાદ આકાશ માયાવતી સાથે જ મંચ પર જોવા મળે છે. બસપાના ધણા મહત્વના કામો આકાશ કરે છે. તેના કારણે જ સોશિયલ મીડિયાથી દૂર રહેલા માયાવતીએ ટ્વિટર હેંડલ બનાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા બસપાએ સોશિયલ મીડિયમાં પણ એન્ટ્રી કરી હતી.