નવી દિલ્હીઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે પોતાની ટીમના નવા મુખ્ય કોચની  પસંદગી કરી છે. આઇપીએલના બે ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમના મુખ્ય કોચની જવાબદારી ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને સોંપવામાં આવી છે. કોલકત્તા ફ્રેન્ચાઇઝીએ ગુરુવારે મેક્કુલમને મુખ્ય કોચ બનાવવાની જાહેરાત કરી છે. તે કેકેઆરનો પાંચમો મુખ્ય કોચ હશે.


37 વર્ષીય મેક્કુલમ આઇપીએલમાં પ્રથમ સીઝનમાં કોલકત્તા તરફથી રમી ચૂક્યો છે. તેણે આઇપીએલની પ્રથમ મેચમાં કોલકત્તા તરફથી રમતા બેગ્લોર સામે અણનમ 158 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય મેક્કુલમ કેરેબિયન પ્રીમિયર લીગની ટીમ ત્રિનિબાગો નાઇટ રાઇડર્સ સાથે 2016થી 2018 દરમિયાન જોડાયા હતા.


કેકેઆરના મુખ્ય કોચ બન્યા બાદ મેક્કુલમે કહ્યું કે, આ જવાબદારી નિભાવવી મારા માટે એક મોટુ સન્માન છે. નાઇટ રાઇડર્સ અને સીપીએલ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં એક મહાન ટીમોમાં સામેલ છે. કેકેઆર અને ટીકેઆરના રૂપમાં અમારી પાસે એક સારી ટીમ છે અને અમે બંન્નેને સફળ બનાવવા માંગીએ છીએ.

કોલકત્તા ટીમના સીઇઓ વેંકી મૈસૂરે કહ્યું કે, મેક્કુલમ લાંબા સમયથી નાઇટ રાઇડર્સ પરિવારનો સભ્ય રહી ચૂક્યો છે. પોતાની નેતૃત્વ ક્ષમતા, ઇમાનદારી, ગુણવત્તા અને સકારાત્મક વિચારના કારણે તે મુખ્ય કોચ બનાવવા યોગ્ય છે.