નવી દિલ્હીઃ ભારતીય ટીમના મુખ્ય કોચ પદ માટે સીલેક્ટ ન થનાર લાલચંદ રાજપૂત હવે બેટિંગ કોચ બનવાની દોડમાં સામેલ થયા છે. તેના માટે તેણે સોમવારે અન્ય દાવેદારોની સાથે ઇન્ટરવ્યૂ આપ્યું. એમએસકે પ્રસાદની આગેવાનીમાં પસંદગી સમિતિ ટીમના સહયોગી સભ્યોની પસંદગી કરશે. બેટિંગ કોચ માટે 57 વર્ષના રાજપૂતની દાવેદારી રજૂ કરવા કારણે સ્પર્ધા વધુ રસપ્રદ થઈ ગઈ છે. આ પહેલા પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વિક્રમ રાઠોરને સંજય બાંગરનું સ્થાન લેવા માટે મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો.


ફરી એક વખત ટીમના મુખ્ય કોચ બન્યા પછી રવિ શાસ્ત્રીએ હાલના સપોર્ટ સ્ટાફને જાળવી રાખવા તરફ ઈશારો કર્યો છે. જેથી એમ માનવામાં આવી રહ્યું છે કે બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ શ્રીધરનો દાવો ઘણો મજબૂત રહેશે. જોકે વર્તમાન બેટિંગ કોચ સંજય બાંગરનું પદ જોખમમાં છે કારણ કે આ પદ માટે જ સૌથી વધારે અરજી મળી ચે. બાંગર 2014થી ટીમ સાથે જોડાયેલ છે. બાંગર બેટિંગ કોચ રહેતા ટીમ ઇન્ડિયા 50 ટેસ્ટ અને 119 વન ડે રમ્યું છે.

ગુરુવાર સુધી સહયોગી સ્ટાફની પસંદગીની પ્રક્રિયા ચાલશે. આ દરમિયાન બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચના ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. બેટિંગ કોચ માટે પ્રવિણ આમરે, અમોલ મજુમદાર, સિતાંશુ કોટક, ઋષિકેશ કાનિટકર અને મિથુન મન્હાસે પણ દાવેદારી રજુ કરી છે.