નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તીની સલાહ આપનારા લોકો પર ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ભડક્યા છે. શાસ્ત્રીએ કહ્યું કે, જે લોકો ધોનીની ટીકા કરી રહ્યા છે અને તેના ક્રિકેટના ભવિષ્યને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે અને ધોની પર ટિપ્પણી કરી રહ્યા છે તે લોકો પોતાના બુટની દોરી પણ બાંધી શકતા નથી અને તે ધોનીના ભવિષ્યને લઈને નિવેદન આપી રહ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે પહેલા એ જોવાની જરુર છે કે તેણે દેશ માટે કેવી ઉપલબ્ધિઓ મેળવી છે. મને સમજાતું નથી કે લોકોને આટલી કેમ ઉતાવળ છે કે ધોની જલ્દી નિવૃત્તિ લઇ લે. ભારતીય કોચે કહ્યું હતું કે કદાચ લોકો પાસે વાત કરવા માટે કોઈ મુદ્દો બચ્યો નથી. ધોનીને જાણનારા આ સારી રીતે જાણે છે કે તે જલ્દી ક્રિકેટથી દૂર થઈ જશે. શાસ્ત્રીએ કહ્યું હતું કે જે વાત જ્યારે થવાની છે તેને ત્યારે જ થવા દો.

શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની પ્રત્યે નિવેદન કરવું તેના પ્રત્યે અસન્માનની ભાવના રાખવા જેવું છે. 15 વર્ષ દેશ માટે રમનાર ખેલાડીને ખબર છે કે ક્યારે શું કરવું યોગ્ય છે. જ્યારે ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કર્યું હતું તો તેણે કહ્યું હતું કે રિદ્ધિમાન સાહાને કીપિંગ ગ્લવ્ઝ સોંપવાનો યોગ્ય સમય આવી ગયો છે. જ્યારે પણ ટીમની વાત આવે છે તે હંમેશા પોતાની યોજના અને વિચાર રાખે છે. ધોનીએ પોતાની રમતથી એ અધિકાર મેળવ્યા છે કે તે જાતે નિર્ણય લઈ શકે કે તેને ક્યારે નિવૃત્તિ લેવાની છે.