નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં ધોનીનો જ્યાં સુધી કોઈ વિકલ્પ નહીં મળી જાય ત્યાં સુધી તે નિવૃત્તિ નહીં લે. તેની નિવૃત્તિને લઈને ભલે ચર્ચા થઈ રહી હોય પરંતુ ધોની પોતાનું મહત્ત્વ સમજે છે. ભલે તે કેપ્ટન ન હોય પરંતુ ટીમ પ્રત્યે તેની જવાબદાર ઓછી થઈ હતી. હાલમાં ટીમ ઇન્ડિયામાં તેમના વિકલ્પ તરીકે ઋષભ પંતને વિકેટ કિપર રાખવામાં આવ્યો છે પરંતુ તે સેટ નથી થઈ શક્યો. ટીમ મેનેજમેન્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે ધોનીના વિકલ્પ તરીકે ઋષભ પંત તેમને પસંદ છે.


આ જ કારણ છે કે પંત સતત નિષ્ફળ હોવાં છતાંય તેને તક આપવામાં આવી રહી છે અને ચોથા નંબરના બેટ્સમેન તરીકે પણ પંત ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યો છે. એ વાત અલગ છે કે પંત ક્રીઝ પર સેટ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી દે છે. જેના કારણે તેની ટીકા પણ થઈ રહી છે. આ મામલામાં હવે નવો ખુલાસો થયો છે કે ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતે જ ઋષભ પંતને પોતાના વિકલ્પ તરીકે તૈયાર કરવા માંગે છે. આ જ કારણ છે કે તેણે હજુ સુધી નિવૃત્તિ નથી લીધી.

મૂળે, મહેન્દ્રસિંહ ધોનીએ આઈસીસી વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદથી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. ડીએનએના રિપોર્ટ મુજબ, માનવામાં આવી રહ્યું હતું કે ધોની ઈંગ્લેન્ડમં આયોજિત થયેલા વનડે વર્લ્ડ કપ બાદ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરવાનો હતો, પરંતુ એવું એટલા માટે ન કર્યુ જેથી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈને ઋષભ પંતને તૈયાર કરવા માટે વધુ સમય મળી જાય. આ ઉપરાંત, ધોની ઈચ્છે છે કે પંત ટી-20 વર્લ્ડ કપમાં તેના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવે, જેથી પંતના બૅકઅપ તરીકે પણ અન્ય વિકેટકિપરોને તૈયાર કરવાનું કામ પણ બીસીસીઆઈ આ દરમિયાન કરી લે.

આ જ કારણ છે કે ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી પોતાને દૂર રાખી ઉપરાંત દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સ્થાનિક ટી-20 સીરીઝથી પણ દૂર રહેવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત, નવેમ્બરમાં બાંગ્લાદેશની વિરુદ્ધ યોજાનારી મર્યાદિત ઓવરોની સીરીઝ માટે પણ ધોનીએ બીસીસીઆઈને પોતાના નામ પર વિચાર ન કરવા માટે કહ્યું છે.