નવી દિલ્હીઃ દિલ્હી અને  જિલ્લા ક્રિકેટર સંઘ એટલે કે ડીડીસીએએ રવિવારે વાર્ષિક સામાન્ય સભામાં અનેક નિર્ણય લીધા. આ દરમિયાન ભારતીય ટીમને એક વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડી મનજોત કાલરા પર બે વર્ષનો પ્રતિબંધ લગાવાવનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની સાથે સાથે કોલકાતા નાઈટ રાઈડર્સના 2 ખેલાડીઓ પર પણ હાલમાં પ્રિતબંધની તલવાર લટકી છે.


વર્ષ 2018માં ભારતીય ટીમને અંડર-19 વર્લ્ડ કપ ખિતાબ જીતાડનાર મનજોત કાલરા પર ખોટી ઉંમર દર્શાવવાને કારણે બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંડર 19 વર્લ્ડ કપ 2018ની ફાઈનલમાં સેન્ચુરી ફટકારીને ભારતીય ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને મેન ઓફ ધ મેચ રહેલ મનજોત કાલરા ડીડીસીએની તપાસમાં છેતરપિંડીનો દોષી જણાયો છે. આ જ કારણે ડીડીસીએના લોકપાલે તેના પર ક્રિકેટમાંથી બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ વર્ષે જ જૂનમાં દિલ્હી પોલીસની એક ખાસ તપાસ સમિતીએ કાલરાના માતા-પિતા પર ચાર્જશીટ દાખલ કરી હતી.



તેમના પર આરોપ લગાવાયો છે કે જૂનિયર ક્રિકેટ રમાડવા માટે તેમણે મનજોતની જન્મતારીખ 1999 બતાવી. જ્યારે તેની અસલી જન્મતારીખ 15 જાન્યુઆરી 1998 છે. આ ઉંમર છુપાવવાનો મામલો સામે આવ્યો ત્યારે મનજોત પુખ્ત વયનો નહોતો આથી ચાર્જશીટમાં તેના પિતા પ્રવિણ કુમાર અને માતા રંજીત કૌરનું નામ લખાયું.

ભારતને ચોથી વખત અંડર-19 વર્લ્ડકપ જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા શિવમ માવી પર પણ સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. ખોટી ઉંમર બતાવીને ફસાયા બાદ તેને મોટો ઝટકો લાગી શકે છે. આ ઉપરાંત કેકેઆરના બીજા ખેલાડી નીતિશ રાણા પણ ઉંમર છુપાવવા મામલે ફસાયો છે. આ ખેલાડીને પોતાની જન્મતારીખ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ જમા કરવા માટે કહેવાયું છે. જો આ ડોક્યુમેન્ટ્ ખોટા સાબિત થશે તો નીતિશ રાણા પર પણ કાર્યવાહી થઈ શકે છે.