નવી દિલ્હીઃ ઑકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી બીજી ટી-20માં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હાર આપી હતી. પ્રથમ ટી-20માં પણ ભારતનો શાનદાર વિજય થયો હતો અને હવે ભારત પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 2-0થી આગળ છે. બીજી ટી-20 બાદ યુઝવેન્દ્ર ચહલ સાથે એક એવી ઘટના બની, જેનો તેણે સપનામાં પણ વિચાર નહોતો કર્યો.


ઘટના વખતે રોહિત શર્મા પણ હતો હાજર

મેચ બાદ તમામ ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. યુઝવેન્દ્ર ચહલના હાથમાં માઇક હતું. જીત બાદ તે માર્ટિન ગપ્ટિલ પાસે વાતચીત માટે ગયો. વાતચીતની શરૂઆતમાં જ ગપ્ટિલે ચહલને ગાળી આપી હતી. જે બાદ ચહલે તેને ધીમેથી વાત કરવા કહ્યું. આ દરમિયાન ત્યાં હાજર રોહિત શર્મા પણ હાજર હતો. જે આ ઘટના જોઈ હસતો હસતો ત્યાંથી નીકળી ગયો હતો.

ગપ્ટિલની ગાળ પાછળ ભારતીય ખેલાડીનો હાથ ?

ગપ્ટિલને હિન્દી ભાષામાં બોલેલી ગાળનો મતલબ ખબર ન હોવાનું કહેવાય છે. ચહલ સાથે મસ્તી કરવા માટે કોઈ ભારતીય ખેલાડીએ ગપ્ટિલને આ શબ્દ બોલવા કહ્યું હશે. ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ગપ્ટિલના ભારતીય ટીમના ખેલાડીઓ સાથે સારા સંબંધ છે.

ભારતે 17.3 ઓવરમાં ટાર્ગેટ કર્યો હાંસલ

રવિવાર રમાયેલી બીજી ટી-20માં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડની ટીમે માર્ટિન ગપ્ટિલના 33 અને ટિમ સેફર્ટના 33 રનની મદદથી 20 ઓવરમાં  5 વિકેટ ગુમાવી 132 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતાં ઉતરેલી ભારતીય ટીમે લોકેશ રાહુલના અણનમ 57 રન અને શ્રેયસ ઐયરના 44 રન વડે 17.3 ઓવરમાં 135 રન બનાવી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.