નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની ફાઈનલ અત્યાર સુધીની સૌથી રોમાંચક ફાનલ મેચમાંથી એક રહી છે. આ મેચમાં ઇંગ્લેન્ડ જીતી ગયું અને ન્યૂઝીલેન્ડની હાર થઈ. પરંતુ અંતે એ ક્યો સમય હતો જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમના હાથમાંથી મેચ જતી રહી. સુપર ઓવરમાં 16 રનનો પીછો કરવા ઉતરેલ ન્યૂઝીલેન્ડને અંતિમ બોલમાં 2 રન જોતા હતા, માર્ટિન ગપ્ટિલ સ્ટ્રાઈક પર હતા અને એક જ રન બનાવી શક્યા. બીજો રન લેવાના ચક્કરમાં ગપ્ટિલ રન આઉટ થઈ ગયો.
ગપ્ટિલ જે રીતે રન આઉટ થયો તે જોઈને ભારતીય ફેન્સને સેમિ ફાઈનલની યાદ આવી ગઈ. કારણકે ધોની અને ગપ્ટિલના રન આઉટમાં સમાનતા હતી. જણાવી દઈએ કે, ગપ્ટિલના જબરદસ્ત થ્રોના લીધે ધોની રન આઉટ થયો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાની જીતની આશા પર પાણી ફરી વળ્યું અને ભારત હારી ગયું.
ફાઈનલ મુકાબલામાં ગપ્ટિલ સાથે પણ એવું જ થયું જેવું ધોની સાથે થયું હતું. સુપર ઓવરના છેલ્લા બોલે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 2 રન જોઈતા હતા. ત્યારે બીજો રન લેવા જતાં ગપ્ટિલ આઉટ થઈ ગયો. ભારતીય ફેન્સ ગપ્ટિલના રન આઉટ પર મજા લઈ રહ્યા છે. ટ્વિટર પર એક વ્યક્તિએ લખ્યું, “સેમિ ફાઈનલમાં ગપ્ટિલના કારણે ધોની આઉટ થયો હતો અને હવે ગપ્ટિલ પોતે ફાઈનલમાં એવી જ રીતે આઉટ થયો. આ કર્મોનું ફળ છે.”