અહેવાલ અનુસાર આજે શ્રીલંકા સામે મયંક અગ્રવાલને તક આપવામાં આવે તો તે વર્લ્ડ કપમાં વનડે કારકિર્દીની શરૂઆત કરનારો ભારતનો 7મો ખેલાડી બનશે. સાથે 27 વર્ષ બાદ કોઈ ભારતીય ક્રિકેટર વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરશે.
અત્યાર સુધી છ ભારતીય કેલાડીઓ વર્લ્ડકપમાં વનડે કારકિર્દીની શરૂઆત કરી ચૂક્યા છે. 1987-88ના વર્લ્ડ કપમાં બેટ્સમેન નવજોત સિંહ સિદ્ધૂને વન ડે કારકિર્દીની શરૂઆત કરી હતી. સિદ્ધૂએ પહેલી જ વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 79 બોલમાં 73 રન બનાવ્યા હતા. જોકે આ મેચમાં ભારતનો 1 વિકેટથી પરાજય થયો હતો. સિદ્ધૂ બાદ અજય જાડેજાએ વર્લ્ડ કપમાં વન ડે કારકિર્દીની શરૂઆત કરી હતી.
અજયે વર્લ્ડકપ 1991-92માં ઓલરાઉન્ડર તરીકે વન-ડે કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે તેની પહેલી વન ડે વરસાદનો ભોગ બની હતી. પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન સામેની મેચમાં અજય જાડેજાએ 46 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી જેના કારણે ભારતે આ મેચ જીતી હતી.
આ પહેલા 1975ના વર્લ્ડકપમાં ત્રણ ભારતીય ખેલાડીઓએ વન ડે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ત્રણ ખેલાડી અંશુમાન ગાયકવાડ, મોહિંદર અમરનાથ અને કરસન ઘાવરી હતા. ત્રણેએ એક સાથે વન ડે કારકિર્દીની શરૂઆત કરી હતી.