ચહલે શનિવારે ધનાશ્રી સાથે સગાઈ કરી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટો શેર કરીને તેણે લખ્યું, અમે અમારા પરિવારો સાથે હા કહીં. જે બાદ સોશિયલ મીડિયા ટ્વિટર પર ચહલ ટ્રેન્ડ થયો હતો અને લોકોએ અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.
સગાઈ પહેલા ચહલ તેની સાથી ધનાશ્રી વર્મા સાથે ઘણા ઝૂમ સેશનમાં એક્ટિવ જોવા મળ્યો હતો. વર્માની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બાયોથી ખબર પડે છે કે તે કોરિયોગ્રાફર હોવાની સાથે એક ડોક્ટર અને યૂટ્યૂબર પણ છે. ધનાશ્રી યૂટ્યૂબ પર પોતાના નામની ચેનલ ધરાવે છે. 1.5 મિલિયન એટલે કે 15 લાખ લોકોએ તેની ચેનલને સબ્સ્ક્રાઇબ કરી છે.
ચહલે સગાઈની જાહેરાત કરતી પોસ્ટ શેર કર્યા બાદ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર કેએલ રાહુલે સૌથી પહેલા અભિનંદન આપ્યા હતા. જે બાદ હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, ડેનિયલ વાટ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયરે પણ અભિનંદન આપ્યા હતા. ભારતમાં ટોપ યૂટ્યૂબર્સમાં સામેલ કૈરીમિનાતીએ પણ યુઝવેન્દ્ર અને ધનશ્રીને શુભકામના પાઠવી હતી.
ચહલ કોરોના મહામારીના કારણે બ્રેકનો આનંદ લઈ રહ્યો છે. જોકે તેણે આઈપીએલ 2020 માટે ટ્રેનિંગ ફરીથી શરૂ કરી છે. ચહલે ટીમ ઈન્ડિયા તરફથી 52 વન ડેમાં 91, 42 ટી-20માં 55 વિકેટ ઝડપી છે. જ્યારે આઈપીએલની 84 મેચમાં 100 વિકેટ લીધી છે.