હૈદરાબાદઃ દેશમાં લોકસભા ચૂંટણી અને આઇપીએલની ગરમાગરમી એક સાથે શરૂ થઇ હતી. આજે આઇપીએલની 12મી સીઝનની ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ ટકરાશે. ચેન્નઇની ટીમ આઠમી વખત તો મુંબઇ ઇન્ડિયન્સ ચોથીવાર ફાઇનલમાં પહોંચી છે. બંન્નેએ આ દરમિયાન ત્રણ-ત્રણ વખત ચેમ્પિયન બની છે. સીઝન દરમિયાન બંન્ને ટીમોનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.


આ સીઝનમાં બંન્ને ટીમોની વાત કરવામાં આવે તો મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન ચેન્નઇ સુપરકિંગ્સ સામે સારુ રહ્યું છે. ટી-20 ક્રિકેટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા મહત્વની રહી છે. આ મામલામાં મુંબઇનું પલડુ ભારે લાગી રહ્યું છે. મુંબઇ પાસે હાર્દિક , કૃણાલ, પોલાર્ડ જેવા ઓલરાઉન્ડર છે. પંડ્યા બ્રધર્સે આ સીઝનમાં હરિફ ટીમોને ખૂબ પરેશાન કરી છે. બીજી તરફ ચેન્નઇ પાસે રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો જેવા ઓલરાઉન્ડર છે.

બંન્ને ટીમોની બોલિંગની વાત કરવામાં આવે તો ચેન્નઇ પાસે ઇમરાન તાહિર, હરભજનસિહ, જાડેજા જેવા બોલર છે તો મુંબઇ પાસે બુમરાહ, મલિંગા, હાર્દિક પંડ્યા, રાહુલ ચહર જેવા બોલર છે. બંન્ને ટીમોની ઓપનર્સની તુલના કરીએ તો અહીં મુંબઇનો દાવો મજબૂત લાગી રહ્યો છે. તેના ઓપનર ડિકોક અને રોહિત શર્માએ સીઝન દરમિયાન સારી શરૂઆત અપાવી છે. બીજી તરફ ચેન્નઇ પાસે વોટ્સન અને ડુ પ્લેસિસના રૂપમાં શાનદાર ઓપનિંગ જોડી છે.