Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં બુધવાર (7 ઓગસ્ટ) ભારત માટે નિરાશાજનક દિવસ રહ્યો. દિવસના અંતે, મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)વેઈટલિફ્ટિંગમાં મેડલ જીતશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેણે પણ નિરાશ કર્યા. તે ક્લીન એન્ડ જર્કના તેના છેલ્લા પ્રયાસમાં 114 કિલો વજન ઉઠાવી શકી નહોતી અને મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.


ઈવેન્ટ બાદ મીરાબાઈ ચાનુ(Mirabai Chanu)એ કહ્યું, "હું આજના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છું, મેં ઘણી ઈજાઓનો સામનો કર્યો છે, દરેક ખેલાડી સાથે આ રીતે, ક્યારેક સારું અને ક્યારેક ખરાબ પણ થાય છે. મેં ટોક્યોમાં ભારતને સિલ્વર અપાવ્યો હતો. પ્રયાસ હતો કે, હું આ વખતે પણ ભારત માટે મેડલ લાઉં. આ વખતે  હું ભારત માટે મેડલ ન લાવી શકવા બદલ માફી માંગુ છું. તેણીએ આગળ સમજાવ્યું કે તે મારા માસિક ચક્રનો ત્રીજો દિવસ હતો, તેથી તે એક સંઘર્ષ હતો. મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું, પણ તે મારા નસીબમાં નહોતું.


મીરાબાઈ આજે (8 ઓગસ્ટ) 30 વર્ષની થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મીરાબાઈ પાસે તેમના જન્મદિવસે ઈતિહાસ રચવાની તક હતી, પરંતુ તે ચૂકી ગઈ. 49 કિગ્રા વજન વર્ગમાં ભાગ લેનાર મીરાબાઈએ સ્નેચ રાઉન્ડમાં ઉત્તમ પ્રયાસ કર્યો હતો અને આ રાઉન્ડ પછી ત્રીજા સ્થાને રહી હતી. તેણે આ રાઉન્ડમાં શ્રેષ્ઠ 88 કિલો વજન ઉપાડ્યું હતું. આ પછી ક્લીન એન્ડ જર્કમાં તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ અહીં તેણે નિરાશ કર્યા.


છેલ્લા પ્રયાસમાં 114 કિલો વજન ન ઉપાડી શકી
ક્લીન એન્ડ જર્કના તેના પ્રથમ પ્રયાસમાં મીરાબાઈએ 111 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગઈ. આ પછી, તેણે તરત જ બીજા પ્રયાસમાં આ 111 કિલો વજન ઉપાડ્યું અને મેડલ માટે દાવો ઠોક્યો. આ પછી, તેણે ક્લીન એન્ડ જર્કના ત્રીજા અને છેલ્લા પ્રયાસમાં 114 કિલો વજન ઉપાડવાનું પસંદ કર્યું. પરંતુ તે તેને સફળતાપૂર્વક ઉપાડી શકી ન હતી અને ચોથા સ્થાને રહીને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ ગઈ હતી.


મીરાબાઈએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર જીત્યો હતો
મીરાબાઈ પાસે ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચવાની તક હતી. ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય વેઇટલિફ્ટર બની શકી હોત. તેના પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ સિડની 2000માં બ્રોન્ઝ જીત્યો હતો. તેનો આ રેકોર્ડ મીરાબાઈએ ટોક્યોમાં સિલ્વર જીતીને તોડ્યો હતો. 30 વર્ષની મીરાબાઈ ચાનુએ ગત ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે 202 કિગ્રા (87 કિગ્રા અને 115 કિગ્રા) વજન ઉઠાવીને આ મેડલ જીત્યો. ટોક્યો ઓલિમ્પિક પછી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કોમનવેલ્થ ગેમ્સ 2022માં હતું, જ્યાં તેણે 201 કિગ્રા (88 કિગ્રા અને 113 કિગ્રા) વજન ઉપાડ્યું હતું.