નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપ ઇતિહાસમાં 44 વર્ષ બાદ પહેલીવાર વિજેતા બનેલી ઇંગ્લિશ ટીમે જીત બાદ જબરદસ્ત જશ્ન મનાવ્યો. ન્યૂઝીલેન્ડને સુપર ઓવર બાદ આઇસીસી નિયમ પ્રમાણે હરાવ્યા બાદ ઇંગ્લિશ ક્રિકેટરોએ વર્લ્ડકપની સાથે સેલિબ્રેશન કર્યુ. શેમ્પેનની બૉટલો ઉછાળીને એકબીજાનો આભાર માન્યો હતો. જોકે, આ ઉજવણીમાં એક ખાસ ઘટના જોવા મળી, કેમકે સેલિબ્રેશનમાં મોઇન અલી અને આદિલ રશીદ જોડાયા નહીં.
વર્લ્ડકપની ફાઇનલ જીત્યા બાદ ટ્રૉફી જેવી ઇંગ્લેન્ડ ટીમના હાથમાં આવી કે તરતજ ઇંગ્લિશ ખેલાડીઓએ શેમ્પેન ઉછાળીને જીતની ઉજવણી શરૂ કરી હતી. સ્ટેજ પર જેવી શેમ્પેનની બૉટલો ખુલી કે તરતજ મુસ્લિમ મૂળના ખેલાડીઓ મોઇન અલી અને આદિલ રશીદ સ્ટેજ છોડીને ભાગી ગયા હતા અને ઉજવણીમાં ભાગ ન હતો લીધો. આનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટર પર લોકો બન્ને ખેલાડીઓની પ્રસંશા કરી રહ્યાં છે, કહી રહ્યાં છે કે બન્ને સાચા મુસ્લિમ ભાઇઓ છે. કેમકે ઇસ્લામમાં દારુને નાપાક ગણવામાં આવે છે.