નવી દિલ્હીઃ શોએબ અખ્તર  બાદ  પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ હાફિઝે પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર નિશાન  સાધ્યું છે. તેણે કહ્યું હતું કે, તે રાષ્ટ્રીય ટીમમાં મજબૂરીમાં એ ખેલાડીઓ સાથે રમ્યો હતો જે ખોટું કામ કરી રહ્યા હતા. હાફિઝે પોતાના પૂર્વ સાથી શોએબ અખ્તરની યૂટ્યુબ ચેનલ પર કહ્યું કે, તે અવાજ ઉઠાવવા માંગતો હતો પરંતુ પાકિસ્તાનનું  પ્રતિનિધિત્વ કરવાની ઇચ્છાના કારણે તે કાંઇ બોલી શક્યો નહીં. તેણે કહ્યું કે, તે ખેલાડીઓ મારા ભાઇ જેવા છે કારણ કે હું તેમના માટે દુઆ પણ કરતો હતો પરંતુ તેમણે જે કાંઇ કર્યું હું તેની વિરુદ્ધમાં હતો. તેણે પાકિસ્તાનની ટીમની અંદર ફેલાયેલા ભ્રષ્ટાચારનો ખુલાસો કરતા કહ્યું કે, મેં અવાજ ઉઠાવ્યો હતો પરંતુ મને કહેવામાં આવ્યું કે તે પાકિસ્તાન માટે રમશે અને જો તારે પણ રમવું હોય તો નિર્ણય કરી લો તારે શું કરવું છે. હું તેનાથી દુખી હતો.  તે લોકો ખોટા હતા તેમ છતાં તેમની સાથે રમતો રહ્યો. હું હજું પણ કહીશ કે એ ખોટો નિર્ણય હતો અને આ પાકિસ્તાન  માટે પણ યોગ્ય નહી રહે. આ પ્રકારના ખેલાડીઓને પાછા લાવવા પાકિસ્તાન માટે સારુ નહી રહે.નોંધનીય છે કે હાફિઝ પાકિસ્તાનના શાનદાર ઓલરાઉન્ડરમાંના એક રહ્યા છે.  તેણે પાકિસ્તાન તરફથી 218 વન-ડે અને 55 ટેસ્ટ રમી છે. તે સિવાય વન-ડેમાં 139 અને ટેસ્ટમા 53 વિકેટ ઝડપી છે.