નવી દિલ્હીઃ ક્રિકેટર મોહમ્મદ શમીએ વર્લ્ડકપ 2019માં પોતાની પહેલી મેચ રમતાં શાનદાર પ્રદર્શન કર્યુ, હેટ્રિકની સાથે રોમાંચક મેચમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી, આ સાથે જ શમીની વાહવાહી આખા દેશ અને દુનિયામાં થવા લાગી હતી. જોકે મેચમાં રસપ્રદ વાત એ રહી કે તેણે હેટ્રિક લીધી હોવા છતાં શમીને મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો ન હતો.


મોહમ્મદ શમીએ પોતાની 9.5 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. પણ તેમ છતાં બુમરાહને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે તેણે 39 રન આપીને 2 જ વિકેટ લીધી હતી.



મોહમ્મદ શમીએ ભલે હેટ્રિક સહિત 4 વિકેટ લીધી હોય. પણ આ મેચનું અસલી પાસું તો જસપ્રિત બુમરાહે પલટ્યું હતું. કારણ કે એક સમયે અફઘાનિસ્તાનની ટીમ 2 વિકેટ પર 106 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતી. તે સમયે બીજા સ્પેલમાં બુમરાહે અફઘાનિસ્તાનને જોરદાર ઝટકો આપ્યો હતો. બુમરાહે પહેલાં રહમત શાહને પોતાના બાઉન્સરનો શિકાર બનાવ્યો. બાદમાં બુમરાહે હશમતુલ્લાહ શાહિજીને પણ આઉટ કરીને ભારતની મેચમાં વાપસી કરાવી હતી.

બુમરાહે પોતાની 10 ઓવરમાં ફક્ત 39 રન આપ્યા, જેમાં ફક્ત બે બાઉન્ડ્રી હતી. તેણે પોતાની ઓવરમાં એક પણ વાઈડ કે નો બોલ ફેંક્યો ન હતો. 49મી ઓવરમાં જ્યારે અફઘાનિસ્તાનને 12 બોલમાં 21 રન જોઈતાં હતા ત્યારે બુમરાહે ફક્ત 5 રન આપ્યા હતા.