ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે 34મા નંબર પર છે.  મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 68 ગોલ્ડ, 43 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ સાથે 147 મેડલ જીત્યા છે. બીજા નંબર પર રશિયન પેરાલિમ્પિક કમિટી છે તેણે 32 ગોલ્ડ મેડલ, 20 સિલ્વર મેડલ અને 37 બ્રોન્ઝ મેડલ સાથે 89 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર ગ્રેટ બ્રિટન છે. જેણે 30 ગોલ્ડ મેડલ,24 સિલ્વર મેડલ અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 


તાજેતરમાં જ મુખ્ય ઓલમ્પિકની રમતો પૂરી થયા બાદ પેરાઓલમ્પિક ખેલ મહોત્સવ ચાલે છે. પેરાલિમ્પિકમાં ભારતમાંથી કુલ 50 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે જ્યારે 54 અન્ય વ્યક્તિએ જેમાં વિવિધ રમતો માટેના કોચ, મેનેજર અને અન્ય સહાયક વ્યક્તિઓ થઈ કુલ 104 લોકો જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.


જાપાનમાં પેરાલિમ્પિકની રમતોમાં ભાગ લઈ રહેલા કુલ 50 સ્પર્ધકોને મોરારિબાપુ તરફથી દરેકને 25 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ 12.50 લાખ રૂપિયા થવા જાય છે. જ્યારે આ સ્પર્ધકોના કોચ, મેનેજર અને અન્ય સહયોગીઓ થઈને 54 વ્યક્તિને દરેકને 15 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. જેની કુલ રકમ 8.10 લાખ રૂપિયા થવા જાય છે.


આમ ખેલાડીઓ અને તેના સહયોગીએનો આપવામાં આવેલી કુલ પ્રોત્સાહન રકમનો આંકડો 20.60 લાખ રૂપિયા થાય છે. ઓલિમ્પિક ખેલ સમિતિ પાસેથી આ તમામ સ્પર્ધકો અને સહોયગીઓની બેન્કની વિગતો મગાવવામાં આવશે અને ત્યાર બાદ જે તે વ્યક્તિના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.


નોંધનીય છે કે, પેરાલિમ્બિક પહેલા હાલમાં જાપાનમાં યોજાયેલ ઓલિમ્પિકમાં ભારત તરફથી ભાગ લીધેલ તમામ સ્પર્ધકો, સહયોગીઓને બાપુ દ્વારા 57 લાખની પ્રોત્સાહક રકમ આપવામાં આવી હતી.