નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષ 2019-20 માટેના કોન્ટ્રાક્ટ લિસ્ટની યાદી બહાર પાડી છે. આ યાદીમાં સૌથી મહત્ત્વનું એ છે કે ધોનીને આ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા નથી. જેને લઈને હવે ધોની ટૂંક સમયમાં જ નિવૃત્તીની જાહેરાત કરે તેવી અટકળો ચાલી રહી છે. જો કે ધોની પાસે એક વિકલ્પ છે. આ વર્ષે ટી20 વર્લ્ડ કપ ટીમમાં જો ધોની સામેલ થશે તો તેને આ યાદીમાં ફરી સ્થાન મળી શકે છે.

ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે બે વખત વર્લ્ડકપ વિજેતા 38 વર્ષીય પૂર્વ કેપ્ટનનું બહાર થવું ચોંકાવરું નથી, કારણ કે તે લગભગ 6 મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે બીસીસીઆઈના મુખ્ય પદાધિકારીઓમાંથી એક અધિકારીએ ઘોનીને આ કોન્ટ્રાક્ટ વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બર 2019થી અત્યાર સુધી એક પણ મેચ ન રમ્યો હોવાના કારણે તેમને યાદીમાં સામેલ કર્યો નથી.


અધિકારીએ જણાવ્યું કે, ધોની ઑસ્ટ્રેલિયામાં યોજનારા ટી20 વિશ્વકપ ટીમમાં જગ્યા બનાવશે તો તેને ‘પ્રો રાટા’ આધારે કોન્ટ્રાક્ટ આપી શકાય. વર્તમાન નિયમો પ્રમાણે તે ખેલાડીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવી શકે છે, જેમાં તે ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ અથવા આઠ વનડે રમ્યો હોય. તે આટલી ટી20 મેચ રમે છે તો તે યાદીમાં સામેલ થઈ શકે છે. ધોનીની નિવૃતિ અંગે પૂછતા અધિકારીએ જણાવ્યું કે, આ અંગે મહેન્દ્રસિંહ ધોની ખુદ જણાવશે.