નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાનાર આગામી વર્લ્ડ કપ જીતવા માટે બધા લોકો ભારતીય ટીમને પ્રબળ દાવેદર માની રહ્યા છે. તેનું મુખ્ય કારણ ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગનું શાનદાર ફોર્મમાં હોવાનું કહેવાય છે. વર્લ્ડ કપ માં એક ભારતીય ખેલાડીને ટ્રમ્પ કાર્ડ તરીકે જોવામાં આવી રહ્યા છે અને અનેક ક્રિકેટ દિગ્ગજોનું માનવું છે કે, આ ભારીતય ખેલાડી પર ભારતની આશાનો બધો આધાર રહેવાનો છે. આ જ ક્રમમાં ભારતીય ટીમના કોચ રવિ સાસ્ત્રીએ પણ સ્વીકાર્યું કે આ ખેલાડી ભારતને વર્લ્ડ કપના અભિયાન માટે ખૂબ જ મહત્ત્વનો છે.




ઇંગ્લેન્ડ માટે રવાના થતા પહેલા કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને વર્લ્ડ કપને લઈને ભારતીય ટીમની તૈયારીઓ વિશે ખુલાસો કર્યો. કોચ શાસ્ત્રીએ વર્લ્ડ કપમાં ધોનીની ભૂમિકાને મહત્ત્વની ગણાવી અને કહ્યું કે, ધોની આ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મોટો ખેલાડી બનવાનો છે.



શાસ્ત્રીએ કહ્યું કે, ધોની એક એવો ખેલાડી છે જે વર્લ્ડ કપ દરમિયાન મહત્ત્વનો હશે. વિરાટની સાથે તેની વાતચીત કરવી ટીમ માટે સારું રહે છે. જ્યારે વિકેટકિપીંગની વાત આવે છો તો તેનાથી સારું કોઈ જ નથી. જે રીતે તેણે આ આઈપીએલમાં આગળ આવીને પ્રદર્શન કર્યું તેને જોતા ઘણું સારું લાગ્યું. તે આ વર્લ્ડ કપમાં એક મોટો ખેલાડી હશે.