નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) એ આજે વર્ષ 2019-2020 માટે ખેલાડીઓના કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બીસીસીઆઈની આ જાહેરાતે દરેક ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા. કારણ કે બોર્ડે આ કરારની યાદીમાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ નથી કર્યો. જોકે હવે સોશિયલ મીડિયા પર બીસીસીઆઈના આ નિર્ણયને લઈ ઘમાસાણ મચી જવા પામ્યું છે.


આ દરમિયાન લોકો આ અંગે ધોનીના જવાબની પણ આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે કરાર અને નિવૃત્તિની અટકળોના સમાચાર વચ્ચે મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ઝારખંડ રણજી ટીમ સાથે અભ્યાસ શરૂ કર્યો છે. ધોનીએ રાંચીમાં પોતાની ઘરેલું ટીમ સાથે પ્રેક્ટિસ કરી. એવી માહિતી મળી છે કે ધોનીએ IPL માટે તૈયારીઓ શરૂ કરી છે.



ઝારખંડ ટીમ મેનેજમેન્ટના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, અમને પણ ખબર નહોતી કે, ધોની અમારી સાથે પ્રેક્ટિસ કરવા માટે આવી રહ્યો છે. આ સુખદ આશ્ચર્ય હતું. તેણે થોડો સમય માટે બેટિંગ કરી. ઝારખંડ પોતાની આગામી મેચ રાંચીમાં રવિવારથી ઉત્તરાખંડ વિરુદ્ધ રમશે. ધોનીએ 9 જુલાઈના રોજ ભારતની વર્લ્ડકપ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની હાર બાદ કોઈ મેચ રમી નથી.

કૉન્ટ્રાક્ટ લિસ્ટમાંથી ધોનીને બહાર રાખવા અંગે BCCI અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું કે, અંતિમ નિર્ણય લીધા પહેલા આ બાબતે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેને સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, લિસ્ટમાં તેને સ્થાન અપાયું નથી. જોકે, સૂત્રે એ ન જણાવ્યું કે, BCCI તરફથી ધોનીનો સંપર્ક કોણે કર્યો.