મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અને ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી નતાશા સુરીની ફેક અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. વાતની જાણ થતાં નતાશાએ ‘ફિલ્મ રેમેડિયોઝ’ નામના શખ્સ વિરુદ્ધ FIR દાખલ કરાવી છે.


નતાશાએ આ શખ્સ પર આરોપ લગાવ્યો છે કે, તેણે સોશિયલ મીડિયા પર તેનું નામ ટેગ કરીને આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરી છે. મુંબઈના દરાર પોલીસ સ્ટેશનમાં આ કેસ કરવામાં આવ્યો છે. નતાશા પ્રમાણે ફિલ્મ રેમેડિયોઝે તેનું નામ કોઈ એડલ્ટ પોસ્ટમાં ટેગ કર્યું હતું.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા નતાશાએ જણાવ્યું કે, "આ બધું નવેમ્બર 2019માં શરૂ થયું હતું. કોઈ વ્યક્તિએ ફેક ન્યૂઝ બનાવવાના શરૂ કર્યા હતા અને તેમાં મને ટેગ કરવાની શરૂઆત કરી હતી. આ વ્યક્તિ કોઈ અન્ય છોકરીની બાથરૂમની તસવીરો પોસ્ટ કરી રહ્યો હતો. તસવીરમાં યુવતીનો ચહેરો બ્લર કરી દેવામાં આવતો હતો. આર્ટિકલમાં આ છોકરીનું નામ નતાશા સૂરી સિંઘ લખવામાં આવતું હતું. આ વ્યક્તિ કોઈ ચોક્કસ કારણથી આવું કરી રહ્યો હતો. હું તેનો આગામી ટાર્ગેટ હતી."



"આ વ્યક્તિએ નતાશા સૂરી સિંઘ નામે ખોટો ન્યૂઝ પ્રસિદ્ધ કરવાનું શરૂ કરી દીધું હતું. ઇન્ડસ્ટ્રીઝમાં નતાશા સૂરી હાલમાં હું એક જ છું, જે મોડલ પણ હોય. આથી એવી ઇમેજ ઉભી થવા લાગી હતી કે નતાશા સૂરી સિંઘ હું છું. આ માટે વ્યક્તિએ અમુક ફૅક ટ્વિટર પ્રોફાઇલ પણ બનાવી હતી. જેના પર તે બાથરૂમની તસવીરો સાથેના આર્ટિકલ શેર કરતો હતો. આ તસવીરો તે પોર્ન વેબસાઇટ પરથી મેળવી લેતો હતો. જેની નીચે તે @NatSuri લખતો હતો. આ તસવીરો ગૂગલના મારા નામ નીચે દેખાવા લાગી હતી."

નતાશા વર્ષ 2006માં ફેમિના મિસ ઈન્ડિયા બની ચૂકી છે. નતાશા સુરી અત્યાર સુધીમાં 600થી પણ વધારે ફેશન શોમાં ભાગ લઈ ચૂકી છે અને વેબ સિરીઝમાં પણ અવાર નવાર જોવા મળે છે. નતાશા વર્ષ 2016માં આવેલી કિંગ લાયર અને 2018માં બાબા બ્લેક શીપમાં પણ જોવા મળી હતી.