નવી દિલ્હીઃ ભારયી ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભલે કહ્યું હોય કે ધોની સાથે તેના ભવિષ્યને લઈને વાત કરશે, પરંતુ પસંદગી સમિતિના અધ્યક્ષ એમેસકે પ્રસાદે ગુરુવારે પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી દીધી છે. પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ ગુરુવારે બાંગ્લાદેશ વિરદ્ધ રમાનાર ટી20 સીરીઝ અને ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.

પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદે ભારતીય ટીમની જાહેરાત કર્યા બાદ સ્પષ્ટતા કરી હતી કે તે રિષભ પંતને લાંબા સમય સુધી તક આપવાની ઇચ્છા રાખે છે. પ્રસાદે એમ પણ જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની પણ યુવાઓને વારંવાર તક આપવાની પસંદગીકારોની રણનીતિ અંગે સહમત છે.



મીડિયા રિપોર્ટ મુજબ પ્રસાદે કહ્યું કે,‘વર્લ્ડ કપ બાદ મેં ધોની સામે સ્પષ્ટતા કરી દીધી હતી કે અમે હવે આગળ વધી રહ્યા છીએ અને યુવાઓને તક આપી રહ્યા છે. પંત સારો દેખાવ કરી રહ્યો છે અને સંજૂ સેમસનનું ટીમમાં પુનરાગમન થયું છે. મને વિશ્વાસ છે કે તમે અમારા વિચારો સાથે સહમત હશો.’

રિપોર્ટ પ્રમાણે પ્રસાદે જણાવ્યું હતું કે અમારે ચોક્કસપણે ધોની સાથે વાતચીત થઇ છે અને તેણે પણ યુવાઓને પ્રોત્સાહન આપવાના અમારા નિર્ણયને આવકાર્યો છે. ધોનીના ભાવિ અંગેનો નિર્ણય તેને લેવાનો છે. સ્થાનિક ક્રિકેટમાં રમવાથી લઇને નિવૃત્તિ અંગેનો નિર્ણય ધોનીએ જાતે જ લેવાનો છે.