નવી દિલ્હીઃ 2019 આઈસીસી વર્લ્ડ કપની શરૂઆત મેમાં થવાની છે અને તેના માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત એપ્રિલ મહિનામાં થઈ શકે છે. ભારતીય સિલેક્ટર્સ સમિતિના ચેરમેન એમએસકે પ્રસાદે કહ્યું કે, 20 એપ્રિલ અથવા એ પહેલા વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ શકે છે. વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની ડેડલાઇ 25 એપ્રિલ છે.

ચીફ સિલેક્ટરે કહ્યું હતું કે અમને ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનનો વિશ્વાસ છે. અમે છેલ્લા દોઢ વર્ષથી આ ટીમને નજીકથી જોઈ છે. અમને પોતાના ખેલાડીઓની ક્ષમતા ઉપર વિશ્વાસ છે અને સારી ટીમ પસંદ કરીશું.



જોકે ટીમ ઇન્ડિયામાં એકાદ બે ખેલાડીને છોડીને મોટાભાગના ખેલાડીનું સ્થાન નિશ્ચિત છે. ચોથા નંબરનો બેટ્સમેન, ચોથો ફાસ્ટ બોલર કે ત્રીજો સ્પિનર અને બીજા વિકેટકીપર પર નિર્ણય થવાનો બાકી છે. આ પહેલા કોહલીએ કહ્યું હતું કે આઈપીએલના પ્રદર્શનની વર્લ્ડ કપની ટીમ પસંદગી પર કોઈ અસર પડશે નહીં.

કહેવાય છે કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અંબાતી રાયડુ/લોકેશ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, બુમરાહનો સમાવે થાય તેવી સંભાવના છે.