નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડ (એટીએસ)એ આસામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિએ ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડને ઇમેઇલ મોકલ્યો હતો. આ ઇમેઇલમાં વ્યક્તિએ ભારતીય ક્રિકેટ ખેલાડીઓને મારવાની ધમકી આપી હતી. આરોપી વ્યક્તિએ ઇમેઇલ 16 ઓગસ્ટના રોજ કર્યો હતો. બીસીસીઆઇએ આ સંબંધમાં પોલીસને જાણકારી આપી હતી ત્યારબાદ એટીએસએ આ મામલાની તપાસ શરૂ કરી હતી. મામલાની ફરિયાદ બાદ સાયબર એક્સપર્ટ્સે આરોપીની ઓળખ કરી હતી. આરોપી વ્યક્તિનું નામ બ્રજ મોહન દાસ છે. આરોપી વ્યક્તિ આસામના મોરીગાંવના શાંતિપુર-સહારનપુર વિસ્તારમાં રહે છે. એટીએસની ટીમે આ લોકેશન પર જઇને આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. હાલના દિવસોમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ પર છે જ્યાં ગુરુવારે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ હેઠળ સીરિઝ રમશે. આ અગાઉ બીસીસીઆઇને જાણકારી મળી હતી કે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ટીમને ખતરો છે. જોકે, બાદમાં આ સૂચના નકલી સાબિત થઇ હતી. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમની સુરક્ષા વધારવામાં આવી હતી.
વાસ્તવમાં આ ધમકી ભારતીય ટીમને નહી પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળી હતી. પીસીબીને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો જેમાં ભારતીય ટીમના ઉપર હુમલાની આશંકા વ્યક્ત કરાઇ હતી. પીસીબીએ આ ઇમેઇલને બીસીસીઆઇ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ પરિષદને મોકલ્યો હતો. બીસીસીઆઇએ આ સૂચના ગૃહમંત્રાલયને આપી હતી. જોકે, આઇસીસી અને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે આ પ્રકારના અહેવાલને અફવા ગણાવી હતી. બીસીસીઆઇએ આ ખબરોનું ખંડન કર્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રહેશે.