નવી દિલ્હી: ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન કર્યાં હતા. તેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પણ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન કર્યાં હતા. સુપરઓવરમાં 9 રનના ટાર્ગેટને 3 બોલમાં ચેઝ કરીને મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફમાં ક્વોલિફાય થનાર ત્રીજી ટીમ બની છે.

મુંબઈના 13 મેચમાં 16 પોઈન્ટ છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે, જ્યારે હૈદરાબાદના 13 મેચમાં 12 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાને છે. હૈદરાબાદ પોતાનો આગામી મુકાબલો જીતે તો તે પ્લેઓફમાં સારી નેટ રનરેટ હોવાથી પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકે તેમ છે.


163 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લા બોલે 7 રનની જરૂર હતી ત્યારે મનીષ પાંડેએ હાર્દિક પંડ્યાના લેન્થ બોલને મીડ-વિકેટ પર સિક્સ માટે ફટકારતા મેચ ટાઈ થઈ હતી.

હૈદરાબાદ માટે મનીષ પાંડે 47 બોલમાં 8 ચોક્કા અને 2 છગ્ગાની મદદથી 71 રન કર્યા હતા. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી.