નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ ટેસ્ટ સીરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે ઇનિંગ અને 202 રનથી મોટી જીત નોંધાવી હતી. ચોથા દિવસે ભારતીય બોલર શાહબાજ નદીમે અંતિમ 2 વિકેટ ઝડપી ભારતને જીત અપાવવામાં મદદ કરી હતી. આ દરમિયાન છેલ્લે બેટિંગ કરવા ઉતરેલ દ. આફ્રિકાના ખેલાડી લુંગી એનગીડીએ પોતાના સાથે ખેલાડી એનરિચ નોર્ટેને ઘાયલ કરવાની સાથે જ પોતની વિકેટ ગુમાવી હતી.


આપને જણાવી દઈએ કે ચોથા દિવસે ભારતીય ટીમને જીતવા માટે માત્ર બે વિકેટની જરૂર હતી. જ્યારે મેચ શરૂ થયાના માત્ર 9 મિનિટની અંદર જ ભારતીય ટીમે સાઉથ આફ્રિકાની બે વિકેટ ઝડપી લીધી. પરંતુ આ બે વિકેટમાંથી અંતિમ વિકેટ હાલમાં ચર્ચામાં છે. થયું એવું કે ડેબ્યૂ મેચ રમી રહેલા લોકલ બોય નદીમના બોલ પર સાઉથ આફિકાના બેટ્સમેન એનગિડીએ જોરદાર શોટ લગાવ્યો. પરંતુ બોલ સીધો નોન સ્ટ્રાઇકર એન્ડ પર રહેલ બેટ્સમેન એનરિચ નોર્ટજેના હેલમેટ પર વાગ્યો અને ટકરાઈને નદીમ તરફ ગયો.

નદીમે પણ ચુસ્તી સાથે બોલને પકડી કેચ કરી લીધો. જોકે હેલમેટ હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ આ સાથે ટીમ ઇન્ડિયાને મોટી જીત પણ મળી. આ જીત દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સૌથી મોટી જીત છે.