આ મેચમાં સૈનીએ વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગની અંતિમ ઓવર મેડન ફેંકી નવો રેકોર્ડ બનાવ્યો હતો. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇનિંગની અંતિમ ઓવર મેડન ફેંકનાર સૈની પ્રથમ ભારતીય ખેલાડી છે. વર્લ્ડ ક્રિકેટમાં આ અગાઉ ફક્ત ત્રણ ખેલાડીઓએ આ સિદ્ધિં હાંસલ કરી છે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ અગાઉ ન્યૂઝીલેન્ડના જીતન પટેલ, પાકિસ્તાનના મોહમ્મદ આમિર અને સિંગાપોરના જનક પ્રકાશે ઇનિંગની અંતિમ ઓવર મેડન ફેંકી હતી. જોકે, નવદીપ સૈની અને જનક પ્રકાશ એવા ખેલાડી છે જેમણે પોતાની પ્રથમ મેચમાં ઇનિંગની અંતિમ ઓવર મેડન ફેંકી હતી.
સૈનીએ પોતાની પ્રથમ મેચમાં પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી. ટી-20માં પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ જ ઓવરમાં બે વિકેટ લેનાર સૈની બીજો ભારતીય બોલર બની ગયો છે. આ અગાઉ 2009માં પ્રજ્ઞાન ઓઝાએ બાંગ્લાદેશ સામે પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તે સિવાય સૈની ડેબ્યૂ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર છઠ્ઠો ભારતીય ખેલાડી છે. આ અગાઉ દિનેશ કાર્તિક, પ્રજ્ઞાન ઓઝા, એસ બદ્રિનાથ, અક્ષર પટેલ અને બરિંદર સરા ડેબ્યૂ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતી ચૂક્યા છે.