Neymar Has Officially Transferred From PSG To Al-Hilal:  બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જૂનિયર પણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રસ્તે આગળ વધ્યો છે. 15 ઓગસ્ટે જાહેરાત કરવામાં આવી હતી કે નેમાર હવે સાઉદી અરેબિયન ફૂટબોલ ક્લબ અલ-હિલાલમાં જોડાઇ ચૂક્યો છે. સાઉદી પ્રો લીગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. વર્ષ 2017 માં નેમાર જૂનિયરને પેરિસ સેન્ટ જર્મેને પોતાનો હિસ્સો બનાવ્યો હતો. આ માટે તેણે 222 મિલિયન યુરોની મોટી રકમ પણ ખર્ચી હતી. બીજી તરફ નેમારને હવે અલ-હિલાલ દ્વારા 900 કરોડ રૂપિયાથી વધુની રકમમાં 2 વર્ષ માટે તેની ક્લબનો હિસ્સો બનાવવામાં આવ્યો છે.






નેમાર જૂનિયર લગભગ 6 વર્ષથી પેરિસ સેન્ટ-જર્મનનો ભાગ હતો.  એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે વર્ષ 2025 સુધીમાં અલ-હિલાલમાં નેમારની કિંમત એડ-ઓન અને બોનસ ક્લોઝના કારણે લગભગ 400 મિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. નેમાર હવે સાઉદી પ્રો-લીગમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સામે રમતો જોવા મળશે.






PSG તરફથી નેમારના અલ-હિલાલ સાથે જોડાવાને લઇને ક્લબના પ્રમુખ દ્વારા તેમના યોગદાન બદલ આભાર માન્યો હતો. પીએસજીના પ્રમુખ નાસિર અલ ખેલાફીએ નેમારને એક મહાન ખેલાડી ગણાવ્યો અને ક્લબમાં જોડાયા તે પ્રથમ દિવસને યાદ કરીને કહ્યું કે તે તેના જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં.                                                                                  


અત્યાર સુધી ઘણા દિગ્ગજ ખેલાડીઓ સાઉદી અરેબિયા તરફ વળ્યા


છેલ્લા કેટલાક વર્ષોમાં ફૂટબોલ વિશ્વના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ સાઉદી અરેબિયાની ફૂટબોલ ક્લબમાં જોડાવાનું પસંદ કર્યું છે. આ પાછળનું સૌથી મોટું કારણ ત્યાં ઉપલબ્ધ જંગી કિંમત પણ ગણી શકાય. નેમાર સિવાય ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, સાદિયો માને, કરીમ બેન્ઝેમા સહિત અન્ય ઘણા ખેલાડીઓ સામેલ છે. નેમાર જૂનિયરે પીએસજી માટે 173 મેચમાં 118 ગોલ કર્યા છે.