Nitu Ganghas Wins Gold : ભારતની દીકરીએ આજે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં કમાલ કરી બતાવી છે. તેણે મંગોલિયાના લુત્સાઈખાનને રોમાંચક મેચમાં હરાવીને દેશને ગોલ્ડ અપાવ્યો છે. નીતુની આ જીત પર આખું ભારત ગર્વ અનુંભવી રહ્યું છે. હાલ હરિયાણાની 22 વર્ષની નીતુ ઘાંઘસે સોશિયલ મીડિયા પર ચારેકોર છવાઈ ગઈ છે. આખો દેશ પોતાની આ દીકરી પર ગર્વ અનુભવી રહ્યો છે.

કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો હતો ગોલ્ડ

ઉલ્લેખનીય છે કે, બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પણ નીતુએ ફાઇનલમાં ઇંગ્લેન્ડની બોક્સરને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આજે ફરી એકવાર દેશનું ગૌરવ બની ગયેલી નીતુએ ઘણી મહેનત અને સંઘર્ષ કરીને અહીં સુધીનો પ્રવાસ કર્યો છે.





નીતુના પરિવારજનોએ તેને પૂરો સાથ આપ્યો


19 ઓક્ટોબર, 2000ના રોજ હરિયાણાના ભિવાનીના ધનાના ગામમાં જન્મેલી નીતુને બાળપણમાં લોકોના ટોણા પણ સહન કરવા પડ્યા હતા. કારણ કે તેને એવી રમત પસંદ હતી જે સામાન્ય રીતે મહિલાઓ નથી રમતી. છોકરાઓની રમત રમવાના કારણે તે અને તેના પરિવારની ઘણી વખત મજાકનું કારણ બની હતી પરંતુ નીતુના પરિવારના સભ્યોએ તેને પૂરો સાથ આપ્યો હતો.

નીતુના પિતા વિધાનસભાના કર્મચારી

જાણીતું છે કે નીતુ ભારતીય બોક્સર વિજેન્દર સિંહને પોતાનો આદર્શ માને છે અને તે બાળપણથી જ તેને રમતા જોતી આવી છે. નોંધનીય બાબત એ છે કે ભારતીય સ્ટાર વિજેન્દર સિંહ પણ ભિવાનીનો છે. નીતુના પિતા જય ભગવાન હરિયાણા વિધાનસભાના કર્મચારી છે જેમણે તેમની પુત્રીના સ્વપ્નને સાકાર કરવા માટે તેમની નોકરીને બાજુ પર મૂકી દીધી હતી.

આખા દેશની છાતી ગદગદ

નીતુની ટ્રેનિંગ અને બોક્સિંગને કારણે તેના પિતાએ ઘણી વખત રજા લેવી પડી હતી. જેના કારણે વિભાગના લોકો તેમનાથી નારાજ હતા. તેમનો પગાર કાપવામાં આવ્યો. એક વખત તેમના પર વિભાગીય તપાસ પણ કરવામાં આવી પરંતુ જ્યારે નીતુએ CWGમાં ગોલ્ડ જીત્યો ત્યારે સૌકોઈએ જય ભગવાનને અભિનંદન આપ્યા હતાં. જેના પર જયએ કહ્યું હતું કે, આજે મારી દીકરીવે મારી જ નહીં પણ આખા દેશની છાતી ગદગદ કરી દીધી છે.

લોન પર ભેંસ

મર્યાદિત સંસાધનો હોવા છતાં નીતુના ખાવા-પીવા અને તેના આહારનું ધ્યાન તેના માતા-પિતાએ રાખ્યું હતું. જાણીને નવાઈ લાગશે કે દીકરીને સંપૂર્ણ પોષણ મળે તે માટે તેના પરિવારના સભ્યોએ લોન પર ભેંસ લીધી હતી, જેથી નીતુને શુદ્ધ દૂધ મળી શકે.

હરિયાણાની મેરી કોમ

આજે નીતુ લોકો માટે એક આદર્શ બની ગઈ છે. તેને હરિયાણાની મેરી કોમ કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેણે CWGના ટ્રાયલ બાઉટમાં મેરી કોમને હરાવીને પ્રથમ કોમનવેલ્થ ગેમ્સની ટિકિટ મેળવી હતી.