નવી દિલ્હીઃ આઈપીએલની શરૂઆત 29 માર્ચથી થવા જઈ રહી છે જેને જોતા હવે સરકારે મોટો નિર્ણય લીધો છે. ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા વિદેશથી આવનારા લોકોના વીઝા 15 એપ્રિર સુધી રદ્દ કરી દીધા છે. આ પ્રતિબંધથી એમ્બેસીના લોકો, અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીોને છૂટ મળશે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020થી લાગુ થશે. તેમાં હવે જેટલા પણ વિદેશી ખેલાડી આઈપીએલ માટે ભારત આવવાના હતા પરંતુ તેમના પર પણ પ્રતિબંધ લાગી ગયો છે. એવામાં અંદાજે 15 એપ્રિલ સુધી કોઈપણ ખેલાડી આઈપીએલ સાથે નહીં જોડાય.


આ પહેલા મહારાષ્ટ્ર સરકારે આઈપીએલને લઈને મોટો નિર્ણય કર્યો હતો. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ બુધવારે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સરકારની પાસે બે વિકલ્પ છે- આઈપીએલની મેચોને સ્થગિત કરવી કે પછી તેને ટીવી દર્શકો સુધી સીમિત રાખવી. એટલે કે મહારાષ્ટ્રમાં યોજાનારી મેચોમાં દર્શકોને મેદાનમાં જવાની મંજૂરી હશે નહીં. એટલે કે લોકો માત્ર ટીવી પર મેચ જોઈ શકશે.


ટોપેનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં હવે આ મામલાની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, સરકાર આઈપીએલ મેચોને સ્થગિત કરી શકે છે કે પછી તેને ટેલિવિઝનના દર્શકો સુધી સીમિત રાખી શકે છે.

આ પહેલા બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સતત દાવો કરી રહ્યા છે કે આઈપીએલની 13મી સિઝન પોતાના સમય ઉપર જ શરૂ થશે. ગાંગુલીએ એમ પણ કહ્યું છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજાશે નહીં. રિપોર્ટ્સ છે કે આ સપ્તાહે બીસીસીઆઈ અને સરકાર વચ્ચે કોરોના વાયરસના મુદ્દા પર બેઠક થઈ શકે છે. આ બેઠક પછી જ સ્પષ્ટ થશે કે આઈપીએલ થશે કે નહીં.