નવી દિલ્હીઃ પોતાની બેટિંગથી અનેક રેકોર્ડ તોડનાર વિરાટ કોહલીના નામ પર આઠથી વધારે આંતરરાષ્ટ્રીય વિકેટ નોંધાઈ હોત જો તેમની ટીમ તેની સાથે બોલિંગ પર એટલો વિશ્વાસ કરત જેટોલ તે ખુદ કરે છે.


૨૦૧૭ના ડિસેમ્બર બાદ જાતે જ કેમ બોલિંગ છોડી દીધી તે અંગે કોહલીએ મજાકના અંદાજમાં જણાવ્યું હતું કે શ્રીલંકામાં (૨૦૧૭) અમે સતત મેચો જીતી રહ્યા હતા. મેં ધોનીને પૂછયું હતું કે શું હું બોલિંગ કરી શકું છું? હું જેવો બોલિંગ કરવા માટે તૈયાર થયો ત્યારે બાઉન્ડ્રી ઉપર ઊભેલા જસપ્રીત બુમરાહે બૂમ પાડી હતી કે આ કોઇ મજાક નથી, ઇન્ટરનેશનલ મેચ છે. કોહલીએ જણાવ્યું હતું કે મને મારી બોલિંગ પર જેટલો ભરોંસો છે તેટલો ટીમમાં કોઇને મારી બોલિંગ ઉપર નથી. ત્યારબાદ મને પીઠમાં ઇજા થઇ હતી અને મેં બોલિંગ કરવાનું છોડી દીધું હતું. નોંધનીય છે કે ઇંગ્લેન્ડ ખાતે વર્લ્ડ કપ રમવા ગયેલી ભારતીય ટીમની નેટ્સમાં કોહલી બોલિંગ કરતો નજરે પડે છે અને તેણે પોતાની બોલિંગ એક્શન પણ બદલી નાખી છે.



કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વન-ડે તથા ટી૨૦માં ચાર-ચાર વિકેટ ખેરવી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ૧૬૩ બોલ ફેંક્યા છે પરંતુ તેને કોઇ સફળતા મળી નથી.

કોહલીએ જણાવ્યું હતું કે જ્યારે હું એકેડેમી (દિલ્હી)માં હતો ત્યારે જેમ્સ એન્ડરસનની એક્શનથી બોલિંગ કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યારબાદ જ્યારે મને તક મળી ત્યારે મેં ઇંગ્લેન્ડના બોલર એન્ડરસન સાથે આ બાબતની વાતચીત કરી હતી અને અમે બંને આ બાબત પર ઘણું હસ્યા પણ હતા.