Asian Games 2023 Full Details: એશિયન ગેમ્સ 2023 ચીનના હાંગઝોઉ શહેરમાં આજથી ઓફિશિયલી રીતે શરૂ થઈ રહી છે અને આ મેગા ઇવેન્ટ 8 ઓક્ટોબર સુધી ચાલશે. જોકે, કેટલીક ઈવેન્ટની ક્વૉલિફાઈંગ મેચો 19 સપ્ટેમ્બરથી જ શરૂ થઈ ગઈ હતી. આ વખતે એશિયન ગેમ્સમાં ભારત સહિત 45 દેશોના 10 હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં 40 વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટમાં 1,000થી વધુ મેડલ માટે સ્પર્ધા થશે અને 481 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.


ભારતમાંથી 19મી એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે હૉકી, ફૂટબોલ, વોલીબૉલ અને અન્ય રમતો સહિત કુલ 655 ખેલાડીઓ ચીન પહોંચ્યા છે. ભારતમાંથી સૌથી મોટી ટુકડી એથ્લેટિક્સમાં ગઈ છે જેમાં કુલ 68 સભ્યોનો સમાવેશ થાય છે. પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભારતની પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમ પણ ભાગ લઈ રહી છે, જેમાં મહિલા ટીમે સેમીફાઈનલ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.


આ વખતે ખેલાડીઓ એશિયન ગેમ્સમાં વર્ષ 2024માં યોજાનારી પેરિસ ઓલિમ્પિક માટે કેટલીક રમતોમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહેશે. આમાં હૉકી, તીરંદાજી, સ્વિમિંગ અને અન્ય કેટલીક રમતોનો સમાવેશ થાય છે. ભારત વતી, પુરૂષ હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને બૉક્સર લવલીન બોર્ગોહેન એશિયન ગેમ્સ 2023ના ઉદઘાટન સમારોહમાં તિરંગા સાથે ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે.


એશિયન ગેમ્સ 2023 ક્યાંથી ક્યાં સુધી રહેશે 
ચીનના હાંગઝોઉમાં યોજાનારી 19મી એશિયન ગેમ્સની ઓફિશિયલ શરૂઆત 23 સપ્ટેમ્બરથી થશે, 8 ઓક્ટોબરે સમાપન સમારોહ યોજાશે.


કેટલા દેશના એથ્લેટિક્સ લઇ રહ્યા છે ભાગ, કુલ કેટલા પદક દાંવ પર 
19મી એશિયન ગેમ્સમાં 45 દેશોના 10 હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન 40 રમતોની કુલ 481 ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 1000 થી વધુ મેડલ માટે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થશે.


ભારતમાં ક્યારે અને ક્યાંથી જોઇ શકશો એશિયન ગેમ્સનું સીધુ પ્રસારણ 
ભારતમાં એશિયન ગેમ્સનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પૉર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર કરવામાં આવશે. મેચો ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.