Paris Olympic 2024:  મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું ખોલાવ્યું છે. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં 221.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ફાઇનલમાં, મનુએ શરૂઆતથી જ ત્રીજું સ્થાન જાળવી રાખ્યું અને  ત્રીજું સ્થાન હાંસલ કર્યું. આ ઇવેન્ટના ગોલ્ડ અને સિલ્વર મેડલ દક્ષિણ કોરિયાના બે ખેલાડીઓએ જીત્યા હતા. ઓહ યે જીન 243.2ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ અને કિમ યેજીએ 241.3ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. મનુ ભાકર પણ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ત્રીજા સ્થાને રહી હતી. શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. આ સાથે તેણે શૂટિંગમાં ભારતના 12 વર્ષના મેડલના દુકાળનો પણ અંત કર્યો. ગગન નારંગ અને વિજય કુમારે 2012 લંડન ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીત્યા હતા.






ગામમાં ખુશીની લહેર


મનુ ભાકરના પ્રદર્શનને લઈને સમગ્ર ગોરીયા વિસ્તાર અને પરિવારજનોમાં ખુશીની લહેર છે. પિતા રામકિશન ભાકર અને માતા સુમેધા ભાકરને પૂરી આશા હતી કે આ વખતે મનુ ભાકર વિદેશની ધરતી પર તિરંગો લહેરાવશે અને  મેડલ જીતશે. 


મનુ ભાકરની ઉપલબ્ધિઓ


મનુ ભાકરની રમતગમતની સફર ઉપલબ્ધિઓથી ભરેલી છે. વર્ષ 2017 માં, મનુએ કેરળમાં નેશનલ ચેમ્પિયનશિપમાં નવ ગોલ્ડ મેડલ જીતીને એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, તે જ વર્ષે, મનુ ભાકરે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેક્સિકોના ગુઆડાલજારામાં 2018 ઇન્ટરનેશનલ સ્પોર્ટ શૂટિંગ વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ભાકરે બે વખતની ચેમ્પિયન અલેજાન્દ્રા ઝાવાલાને હરાવ્યો હતો. આ જીત સાથે તે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગઈ છે. તેણીએ 2018 માં ISSF જુનિયર વર્લ્ડ કપમાં પણ ડબલ ગોલ્ડ જીત્યો હતો. તે જ વર્ષે, 16 વર્ષની ઉંમરે તેણે  2018 કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો કોમનવેલ્થ ગેમ્સમાં પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો. મે 2019 માં, મનુએ મ્યુનિક ISSF વર્લ્ડ કપમાં ચોથું સ્થાન મેળવીને 2021 ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું, ઓગસ્ટ 2020 માં, મનુ ભાકરને વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.  મન્નુ ભાકરને તેની માતાએ બનાવેલી ખીર ચુરમા ખૂબ જ પસંદ છે.