ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને ઓબીસી અનામતની યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર આપતાં પાટીદારોને અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવીને અનામત આપવાનો માર્ગ મોકળો થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ માહોલમાં પાટીદારોને અનામત અપાવવા માટે આંદોલન કરનારાં પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની અમદાવાદમાં બેઠક યોજવાનો નિર્ણય લેવાયો છે.
સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની આ બેઠકમાં પાટીદારોને અનામત આપવા સહિતની સમાવાવની જૂની માંગણીઓ અંગે ચર્ચા કરાશે. અલ્પેશ કથીરિયા, લાલજી પટેલ, દિનેશ બાંભણીણા સહિતના પાટીદાર આગેવાનો વિવિધ પડતર માંગણીઓને અંગે ચર્ચા કરીને ભાવિ રણનીતિ ઘડશે.
તાજેતરમાં કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું હતું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને ઓબીસી ક્વોટા હેઠળ અનામત ના આપી શકાય. આ તમામ સમુદાયને અલગ ક્વોટા બનાવીને અનામત મળવી જોઈએ અને તેમનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં. આઠવલેએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી હતી તેમાં પાટીદારોને અનામત મળવા અંગે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. આ નિવેદન અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.
આ પહેલાં 7 ઓગસ્ટે પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં પાટીદારોનું આંદોલન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ની બેઠકમાં નિર્ણય કરાયો છે કે, આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે.
મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ (SPG)ના લાલજી પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS)ના અલ્પેશ કથેરિયા વચ્ચે પોતપોતાના સમર્થકો સાથે બેઠક થઈ હતી. પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા યોજાયેલી બેઠકમાં એ વાત પર ભાર મૂકાયો હતો કે, પાટીદાર સમાજ દ્વારા આનંદીબેન પટેલની સરકાર વખતે કરાયેલા આંદોલનમાં રજૂ કરાયેલી માંગણીઓ પૈકી હજુ કેટલીક માંગ બાકી છે અને સરકારે તેનો અમલ કર્યો નથી. આ માગણીઓનો તાકીદે અમલ કરાવવા માટે સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS) સંયુક્ત રીતે આંદોલન કરશે.