Paris Olympics Day 5: પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મહાન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ગ્રુપ સ્ટેજની સતત બીજી મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ઇસ્ટોનિયાની ક્રિસ્ટીન કુબાને 21-5, 21-10થી હરાવીને નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવી લીધું હતું. આ મેચ 34 મિનિટ સુધી ચાલી હતી. સિંધુએ પહેલી ગેમ 14 મિનિટમાં અને બીજી ગેમ 19 મિનિટમાં જીતી હતી. હવે સિંધુ માટે આગળનો રસ્તો મુશ્કેલ બની જશે. નોકઆઉટમાં એક પણ હાર બહારનો રસ્તો બતાવી શકે છે.
આ રીતે 29 વર્ષની સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા સ્થાન મેળવ્યું હતું. આ પહેલા તેણે ગ્રુપ Mની છેલ્લી મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હરાવી હતી. ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં સતત બીજી જીત હાંસલ કરી છે. સિંધુએ 28 જુલાઈના રોજ મહિલા સિંગલ્સના ગ્રુપ-Mમાં તેની પ્રથમ મેચમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને સરળતાથી હરાવી હતી.
સિંધુએ આ મેચમાં વિશ્વની નંબર-111 ખેલાડી સામે 21-9, 21-6થી જીત મેળવી હતી. આ મેચ માત્ર 29 મિનિટ ચાલી હતી. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થાય છે તો તે મેડલની હેટ્રિક પુરી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.
સિંધુનો સામનો આ શટલર્સ સામે થશે.
સિંધુનો પ્રથમ મોટો પડકાર રાઉન્ડ ઓફ 16માં હશે જ્યારે તેનો મુકાબલો ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ મેચમાં તેની હરીફ ચીનની હી બિંગજિયાઓ સામે થશે. બિંગજિયાઓને તે મેચમાં સિંધુએ સરળતાથી 21-13, 21-15થી પરાજય આપ્યો હતો. જો કે, બિંગજિયાઓએ 2022 એશિયન ગેમ્સમાં સિંધુ સામેની તેની અગાઉની મેચ જીતી હતી. સિંધુ સામે બિંગજિયાઓનો રેકોર્ડ 11-9નો છે. જો સિંધુ બિંગજિયાઓને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચે છે, તો તેની સામે ચીનની ખેલાડી ચેન યુફેઈ (જો કોઈ મોટો અપસેટ નહી થાય તો) હશે. ભારતીય સુપરસ્ટાર ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના કોઈપણ શટલર સામે કોઈ મેચ હારી નથી, પરંતુ યુફેઈ શાનદાર ફોર્મમાં છે. વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયને આ મહિનાની શરૂઆતમાં ઇન્ડોનેશિયા ઓપન જીતી હતી અને ફાઇનલમાં વિશ્વની નંબર 1 ખેલાડી એન સેઉંગને હરાવી હતી. સેમિફાઇનલમાં સિંધુનો મુકાબલો સ્પેનિશ દિગ્ગજ કેરોલિના મારિન સામે થઈ શકે છે, જે હંમેશા તેની સૌથી મોટી હરીફ રહી છે. મારિન સામે સિંધુનો રેકોર્ડ સારો નથી, જેમાં તે 5-12થી પાછળ છે. આ જ મારિને 2016 ઓલિમ્પિકની ફાઇનલમાં સિંધુને હરાવી હતી.