Paris Olympics: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને ફરી એકવાર કુશ્તીમાં મેડલની આશા વધી છે. ગઇકાલે 50 કિલો વર્ગ કેટેગરીમાં ભારતીય મહિલા રેસલરને ડિસ્ક્વૉલિફાય કરાયા બાદ 140 કરોડ ભારતીયોની મેડલની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. જોકે, 24 કલાકની અંદર ફરી એકવાર ભારતીયો માટે મહત્વના અને આનંદના સમાચાર સામે આવ્યા છે. 


21 વર્ષીય ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 57 કિગ્રા વર્ગમાં તેણે અલ્બેનિયાના કુસ્તીબાજ ઝેલિમખાન અબાકારોવને હરાવીને આ જીત હાંસલ કરી હતી. તેણે ઝેલીમખાન સામે એકતરફી વર્ચસ્વ જમાવ્યું અને 12-0થી જીત મેળવી. હવે તેઓ આજે રાત્રે જ પોતાની સેમિફાઇનલ મેચ રમશે. રાત્રે 9.45 કલાકે તેનો મુકાબલો જાપાનના ટોચના રેસલર રાય હિગુચી સાથે થશે. અંડર-23 રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગૉલ્ડ મેડલ જીતનારા અમન પાસેથી હવે બધાને અપેક્ષાઓ છે. કારણ કે અત્યાર સુધી ભારતને કુસ્તીમાં કોઈ મેડલ મળ્યો નથી. અમન સહરાવતે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તેનો મુકાબલો જાપાનના રેઈ હિગુચી સાથે થશે.






આ પહેલા અમને પ્રથમ રાઉન્ડમાં મેસેડોનિયાના કુસ્તીબાજ વ્લાદિમીર એગોરોવને સરળતાથી હરાવ્યો હતો. તેણે આ મેચ 10-0થી જીતી લીધી હતી. એગોરોવ યૂરોપિયન ચેમ્પિયન રહી ચૂક્યો છે. પરંતુ પહેલા રાઉન્ડથી જ તે અમનથી પાછળ જોવા મળ્યો હતો. આ પછી તે સ્પર્ધામાં પરત ફરી શક્યો ન હતો.


એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ ગૉલ્ડ મેડલ વિજેતા અમન સેહરાવત ભારતનો એકમાત્ર પુરુષ કુસ્તીબાજ છે, જેણે આ વખતે ઓલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું છે. હરિયાણાના ઝજ્જર જિલ્લાના ભરોડ ગામનો વતની અમન સહરાવત યૂથ લેવલે ભારત માટે ઘણા મેડલ જીતી ચૂક્યો છે.


કોણ છે અમન સહરાવત ?
અમન સેહરાવત હરિયાણાના ઝજ્જરનો રહેવાસી છે. તેનો જન્મ 2003માં થયો હતો, તે 57 કિગ્રા વર્ગમાં કુસ્તી કરે છે. આ પહેલા પણ અમન એશિયા લેવલ પર ઘણી સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે, પરંતુ ઓલિમ્પિકમાં અમન પાસે મેડલ જીતવાની સુવર્ણ તક છે. વર્ષ 2021માં અમને નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. અમનની માતા કમલેશનું 2013માં નિધન થયું હતું અને તેના પિતા સોમવર સેહરાવતનું પણ 2014માં નિધન થયું હતું. અમનને એક નાની બહેન છે, જેનો સંપૂર્ણ ખર્ચ અમન ઉઠાવે છે. ઘરમાં અમનની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તેણે રેલવેમાં નોકરી કરવાનું શરૂ કર્યું. તે બાળપણથી જ ઓલિમ્પિકમાં મેડલ જીતવા માંગતો હતો, હવે તેનું સપનું સાકાર થવાનું છે.






અમન સેહરાવતની ઓલિમ્પિક સુધી પહોંચવાની સફર એટલી સરળ નહોતી. બાળપણમાં જ ખેલાડીના માતા-પિતાનું નિધન થઇ ગયુ, આમ છતાં અમાને પોતાની જાત પર કાબૂ રાખ્યો અને કુસ્તીમાં કારકિર્દી બનાવી. અમને માત્ર પોતાના શિક્ષણ માટે જ નહીં પરંતુ તેની નાની બહેનના શિક્ષણ માટે પણ ભંડોળ પૂરું પાડ્યું હતું. અમન સેહરાવત પાસે પૈસા નહોતા પરંતુ આ ખેલાડીએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તી શીખી હતી. અમને દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કૉચ પ્રવિણ દહિયા પાસેથી કુસ્તીની ટિપ્સ અને નિયમો શીખ્યા છે. તેણે જ આ ખેલાડીની પ્રતિભાને ઓળખી અને આજે આ ખેલાડી ઓલિમ્પિક મેડલથી માત્ર એક ડગલું દૂર છે.