Asian Games: એશિયન ગેમ્સનું આયોજન આ વર્ષે (2022માં) થવાનું હતું. જો કે ચીનમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે એશિયન ગેમ્સ-2022નું આયોજન મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે એશિયન ગેમ્સનું આયોજન વર્ષ 2023માં 23 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોમ્બર દરમિયાન ચીનના હાંગઝોઉ ખાતે કરવામાં આવશે. એશિયન ગેમ્સના આ નવા કાર્યક્રમ અંગે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ (Olympic Council of Asia) આજે નિર્ણય કર્યો છે અને જેની જાહેરાત કુવૈત ખાતેથી કરવામાં આવી છે.






OCA દ્વારા જાહેર કરાયેલા એક નિવેદમાં કહેવાયું છે કે, ચીનની ન્યુઝ એજન્સી ઝિનહુઆ અનુસાર 19મી એશિયન ગેમ્સ પહેલાં હાંગઝોઉમાં 10 થી 25 સપ્ટેમ્બર 2022ના રોજ યોજાનાર હતી અને તે મુજબ આયોજન કરાયું હતું. જો કે, કોરોના વૈશ્વિક મહામારીના કારણે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા 6 મે 2022ના રોજ એશિયન ગેમ્સને મુલવતી રાખવામાં આવી હતી. આ સાથે એશિયન ગેમ્સની નવી તારીખ જાહેર કરવા માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરાઈ હતી.



છેલ્લા બે મહિનામાં ટાસ્ક ફોર્સે ચીની ઓલિમ્પિક કમિટી, હાંગઝોઉ એશિયન ગેમ્સ ઓર્ગેનાઈઝિંગ કમિટી (HAGOC) અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી હતી જેથી અન્ય મોટા આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટ્સ સાથે તારીખો ક્લેશ ન થતી હોય તેવી રીતે એશિયન ગેમ્સનું આયોજન કરી શકાય. ત્યાર બાદ ટાસ્ક ફોર્સ દ્વારા ભલામણ કરાયેલ તારીખોને OCAના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા યોગ્ય રીતે મંજૂર કરવામાં આવી હતી. તે મુજબ હવે 2023માં 23 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોમ્બર દરમિયાન એશિયન ગેમ્સ યોજાશે.


OCA એ કહ્યું કે તે સપ્ટેમ્બર 2023 માં હેંગઝોઉમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ એશિયન ગેમ્સ ઉજવવા માટે ઉત્સુક છે. રસપ્રદ વાત એ છે કે, 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સ એશિયન ગેમ્સના 10 મહિનાથી ઓછા સમયમાં યોજાશે.