Tokyo Olympics 2020: ભારતીય હોકી ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને  ઈતિહાસ રચી દીધો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવીને મેળવેલી ઐતિહાસિક સિધ્ધી બદલ હજુ ઈનામોની વર્ષા શરૂ થઈ નથી પણ પંજાબ સરકારે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે હોકી ટીમને બ્રોન્ઝ મેડલ જીતાડનારા પંજાબના 10 ખેલાડીને એક-એક કરોડ રૂપિયા રોકડા અને સરકારી નોકરી મળશે.


ભારતની હોકી ટીમમાંથી કેપ્ટન મનપ્રિત સિંહ સહિત 10 ખેલાડી પંજાબના છે. આ ખેલાડીઓમાં દિલપ્રિત સિંહ, રૂપિન્દર સિંહ, હાર્દિક સિંહ, ગુર્જન્ત સિંહ, સિમરનજીત સિંહ, મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, શમશેર સિંહ અને વરૂણ કુમારનો સમાવેશ થાય છે.


પંજાબ સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે, ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને વ્યક્તિગત રીતે 2.25 કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે.


પંજાબના રમતગમત પ્રધાન રાણા ગરુમિત સિંહ સોઢીએ જાહેરાત કરી હતી કે, ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને દોઢ-દોઢ કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે જ્યારે ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતશે તો પંજાબના દરેક ખેલાડીને એક-એક કરોડ રૂપિયા અને સરકારી નોકરી મળશે. પંજાબ સરકાર હવે આ યોજનાનો અમલ ઝડપથી કરશે એવી આશા છે.


ઓલિમ્પિક્સમાં  41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમ મેડલ જીતી છે. ભારતે છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરનના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ભારતે જર્મનીને 5-4 થી હરાવ્યું છે. 


આ પહેલા ભારતે 1980 માં મોસ્કો ઓલિમ્પિકમાં વાસુદેવન ભાસ્કરણના નેતૃત્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે સિમરનજીત સિંહે બે ગોલ કર્યા, હરમનપ્રીત સિંહ, રૂપિન્દર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક -એક ગોલ કર્યો અને આ મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતની શાનદાર જીત પર પ્રધાન મંત્રી મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે.