India Medal Tally Standings, Tokyo Olympic 2020: ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 39માં ક્રમે છે. અમેરિકા  9 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ 22  મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 9 ગોલ્ડ, 5 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળી કુલ 21 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 9 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 17 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. 


ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર લવલિના બોરગોહેન ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. મહિલાઓના 69 કિલો વજનના વર્ગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 23 વર્ષીય લવલિનાએ જર્મનીની 35 વર્ષીય બોક્સર નાદિને એપેટ્જને હાર આપી હતી. લવલિનાએ આ બાઉટ સ્પિલટ ડિસિજનથી 3-2થી જીત્યું. ત્રણેય રાઉન્ડમાં જજોનો એકંદર નિર્ણય લવલિનાની તરફેણમાં રહ્યો હતો. લવલિના હવે મેડલ મેળવવાથી માત્ર એક જીતથી દૂર છે. બોક્સીંગમાં, સેમિફાઇનલમાં પહોંચતાની સાથે જ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નક્કી થઈ જાય છે. લવલિનાની ક્વાર્ટર ફાઇનલ બાઉટ 30 જુલાઈએ ચીનના તાઈપેની ચિન નિએન સાથે થશે.


મંગળવારે, ટોક્યો ઓલિમ્પિક્સમાં, ભારતના હાથમાં વધુ એક મેડલ આવતાં આવતાં રહી ગયું. 10મી એર પિસ્ટલ મિશ્રિત શૂટર ઇવેન્ટમાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીની ભારતીય જોડી ટોપ -4માં આવતા ચૂકી ગઈ. ભારતીય જોડી ક્વોલિફિકેશનના પ્રથમ રાઉન્ડમાં 582 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહી હતી, પરંતુ આઠ જોડીના બીજા રાઉન્ડમાં 7મા સ્થાને રહી હતી. ટોચ 4 જોડીએ મેડલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.


હોકીમાં શાનદાર રમત


હોકીના મુકાબલામાં ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી. ભારતે આજની મેચમાં જોરદાર પ્રદર્શન કરીને સ્પેનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના આક્રમણ અને મજબૂત ગોલ ડિફેન્સ સામે હરીફ ટીમ ખાસ દેખાવ કરી શકી નહોતી. ભારતની જીતમાં રૂપિંદર પાલ, સિમરનજીતે મહત્વૂપ્ણ ભૂમિકા નીભાવી હતી, રૂપિંદરપાલે બે અને સિમરનજીતે એક ગોલ કર્યો હતો. આ પહેલા ભારતની બીજી હોકી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7-1થી ભૂંડી હાર થઈ હતી. પ્રથમ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.



ઓસ્ટ્રેલિયા સામે રંગમાં ન જોવા મળેલી ટીમ આજે અલગ અંદાજમાં રમી હતી. આ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને ગોલ કર્યા હતા. સફળ પેનલ્ટી સ્ટ્રોક લગાવ્યા અને પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કર્યા હતા. ભારત તરફથી પ્રથમ ક્વાર્ટરની 14મી મિનિટમાં સિમરનજીત સિહે ગોલ કર્યો હતો. જે બાદ ભારતને એક પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહોતી. જ્યારે ચોથા ક્વાર્ટરમાં ભારત તરફથી રૂપિંદર પાલ સિંહે 51મી મિનિટમાં ગોલ કરીને ભારતને 3-0ની લીડ અપાવી હચી. જે બાદ ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી.