ટોક્યો ઓલિમ્પિકનો આજે સાતમો દિવસ છે. ભારત માટે આજના દિવસની શાનદાર શરૂઆત રહી હતી. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 46માં ક્રમે છે. અમેરિકા 13 ગોલ્ડ, 14 સિલ્વર અને 10 બ્રોન્ઝ એમ 37 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 14 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ 29 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 15 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 24 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
ટોક્યો ઓલિમ્પિક્સમાં ગુરવારે ભારતીય ખેલાડીઓએ સારી શરૂઆત કરી છે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હોકી ટીમે આર્જેન્ટીનાને 3-1થી હરાવ્યું. તીરંદાજીમાં અતનુ દાસ 2 વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટને હરાવીને પુુરુષ સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે.
બોક્સિંગમાં સતીશ કુમારે સુપર હેવી વેટ(91+ કિલોગ્રામ) કેટેગરીના અંતિમ-8માં સ્થાન મેળવી લીધુ છે. 25 મીટર મહિલા એર પિસ્તોલના પ્રથમ ક્વાલિફાઈંગ રાઉન્ડમાં યુવા શૂટર મનુ ભાકરે સારો દેખાવ કર્યો છે.
બોક્સિગમાં મોટો ઝટકો લાગ્યો છે. દિગ્ગજ બોક્સર મેરિકોમ કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વોલેશિયા સામે હારી ગઈ છે. મેરિકોની 2-3થી હાર થઈ હતી. જેની સાથે ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.
પહેલા રાઉન્ડમાં મેરિકોમની 1-4થી હાર થઈ હતી. જે બાદ બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ડિફેંસિવ લાગતી મેરિકોમે બીજા રાઉન્ડમાં જોરદાર આક્રમક રમત દાખવીને કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વાલેંશિયાને 3-2થી હાર આપી હતી. જોકે અંતિમ રાઉન્ડમાં તેની હાર થવાની સાથે જ ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.
બોક્સિંગમાં પુરુષોની 91+ કિલોગ્રામ વેટ કેટેગરીમાં સતીશ કુમાર ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગયો છે. પ્રથમ રાઉન્ડમાં બાય મેળવનાર સતીશે પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જમૈકાના રિકાર્ડો બ્રાઉનને 4-1થી હરાવ્યો. સતીશે હવે મેડલ પાક્કો કરવા માટે એક જીત મેળવવાની છે.