Tokyo Olympics: કોરોનાના વધતા કેસને લીધે એક તરફ ટોક્યોમાં સરકારે ઈમરજન્સી લોકડાઉન જાહેર કર્યું છે. બીજી તરફ બહુમતિ નાગરિકોના ભારે વિરોધ વચ્ચે ઓલિમ્પિક રમતોત્સવને સાદગીભર્યા અને જૂજ આમંત્રિતોની હાજરીમાં યોજાયેલ ઉદઘાટન સમારંભ બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભારતીય ખેલાડીઓની શરૂઆત મિશ્ર પરિણામ સાથે થઈ છે. તીરંદાજીની મિશ્રિત ઇવેન્ટમાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યારે, શૂટિંગમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતની ઇલાવેનિલ વાલારિવન અને અપૂવી ચંદેલા ફાઇનલ માટે ક્વોલિફાય ન કરી શકી.
હોકીમાં શાનદાર શરૂઆત
મેન્સ હોકીમાં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ભારતે આખરી ક્વાર્ટરમાં લીડ જાળવી રાખી હતી અને ન્યૂઝિલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ભારત માટે આ શાનદાર શરૂઆત છે. હરમનપ્રીતે ભારત તરફથી બે ગોલ્ડ કર્યા હતા, જ્યારે એક ગોલ રૂપેંદ્રએ કર્યો હતો. રવિવારે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે થશે.
જુડોમાં નિરાશા
જુડોમાં ભારતીય ખેલાડી સુશીલા દેવીનો રાઉંડ ઓફ 32માં હારનો સામનો કરવો પડ્યો હતો. સુશીલા દેવીને પ્રથમ મુકાબલામાં હંગેરીની ઈવાએ હરાવી હતી. જુડોમાં હિસ્સો લેનારી તે ભારતની એક માત્ર ખેલાડી છે.
ટેબલ ટેનિસમાં પણ નિરાશા
ટેબલ ટેનિસ મિકસ્ડ ડબલ્સમાં ભારત માટે સારા સમાચાર નથી. મનિકા બત્રા અને શરત કમલની જોડીને ચીનની જોડીએ હાર આફી છે. ચીનની જોડીએ પ્રથમ ગેમમાં 11-8થી બીજી ગેમમાં 11-6થી બાજી મારી હતી. ચીની તાઈપેની જોડી હવે 2-0ની લીડ બનાવી ચુકી છે.
ચીને ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ચીનની યાંગ ક્વિનાને ફાઇનલમાં 251.8 ના સ્કોર સાથે ઓલિમ્પિક રેકોર્ડ બનાવતા ગોલ્ડ મેડલ જીત્યો. રશિયાની અનાસ્તાસિયા ગાલાસિનાએ સિલ્વર અને સ્વિટ્ઝર્લેન્ડની નીના ક્રિસ્ટિએને બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય શૂટર ઇલાવેનિલ વલારિવન અને અપૂર્વી ચંદેલા ક્વાલિફિકેશન રાઉન્ડમાં જ બહાર નીકળી ગઈ.
ભારતની ટીમનો માર્ચ પાસ્ટમાં જાપાનીઝ આલ્ફાબેટ પ્રમાણે 21મો ક્રમ હતો. 19 એથ્લેટ્સના ડેલીગેશનનું નેતૃત્વ બોક્સર મેરી કોમ અને હોકીના કેપ્ટન મનપ્રીત સિંઘે કર્યું હતું. ભારતે કુલ 120 એથ્લેટ અને 108 ઓફિસિયલ જાપાનમાં મોકલ્યા છે.