ટોક્યો ઓલિમ્પિકના 12મા દિવસે આજે કુસ્તીબાજ સોનમ મલિકની હાર થઈ છે. જોકે, હજુ તેને બ્રોન્ઝ મેડલ માટે રમવાની તક મળી શકે છે.  જો મંગોલિયન કુસ્તીબાજ ફાઇનલમાં પહોંચે તો સોનમને રિપેચેજ રાઉન્ડ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળી શકે છે. આજે સોનમ મલિક ફ્રી સ્ટાઇલ 62 કિલો વજન વર્ગમાં પ્રથમ રાઉન્ડમાં હારી ગઇ હતી. તેને મંગોલિયન કુસ્તીબાજ બોલોરતુયા ખુરેલખુએ હરાવી. 


 


19 વર્ષની સોનમ મેચની શરૂઆતમાં આગળ ચાલી રહી હતી. જોકે, બોલોરતુયાએ ફરી વાપસી કરીને સ્કોર 2-2 પર સરભર કર્યો. મંગોલિયન કુસ્તીબાજને 2 ટેકનિકલ પોઈન્ટ મળ્યા હતા. છેલ્લી થોડી સેકન્ડમાં પોઈન્ટ સ્કોર કરવાના આધારે અને એકસાથે વધુ પોઈન્ટ સ્કોર કરવાના આધારે તેણે જીત મેળવી હતી.


 


બીજી તરફ હોકી સેમીફાઈનલમાં ભારતની હાર થઈ છે. સેમી ફાઈનલમાં ભારતની બેલ્જિયમ સામે હાર થઈ છે. બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમશે. આગામી 5 ઓગસ્ટના રોજ ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.


 


બીજા ક્વાર્ટરની મેચ પૂરી થયા સુધી ભારત અને બેલ્જિયમ 2-2ની બરાબરી પર હતી. ત્રીજા ક્વાર્ટમરાં બન્ને ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જ્યારે ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ ભારત પર હાવી થઈ ગઈ હતી અને તેણે ત્રણ ગોલ ફટાકરીને મેચમાં 5-2થી જીત મેળવી હતી. ભારતની સામે રમી રહેલ બેલ્જિયમની ટીમ દુનિયાની નંબર વન ટીમ છે. અને ટોક્યો ઓલંપિકમાં બેલ્જિયમની ટીમે 6 મેચોમાં 29 ગોલ કર્યા છે. જો કે બેલ્ઝિયમ સાથે ભારચીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી સારૂ રહ્યુ છે.


 


 


વર્ષ 2019માં બેલ્ઝિયમના પ્રવાસ સમયે ભારતીય ટીમે બેલ્જિયમને 2 0, 3 1 અને 5 1થી હરાવ્યું હતું. સાથે જ આ વર્ષે માર્ચમાં રમાયેલ મેચમાં પણ ભારતીય ટીમે બેલ્જિયમને 3 2થી મ્હાત આપી હતી. આમ બેલ્ઝિયમ સામે રમાયેલ પાંચમાંથી ચાર મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે.


 


ઓલંપિકમાં પણ પણ ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી શાનદાર રહ્યું છે. ઓલંપિક ટૂનાર્મંટમાં ભારતીય હોકી ટીમે 8 ગોલ્ડ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 1980માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આમ 1980 બાદ પ્રથમ વખત મેડલ જીતવાથી ભારત એક જીત દૂર છે.