Neeraj Chopra Awards: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જનાર ભાલા ફેંક એથલીટ નીરજ ચોપરાને 'પરમ વિશિષ્ટ સેવા મેડલ'થી સન્માનિત કરવામાં આવશે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તેમને આ સન્માન આપવામાં આવશે. નીરજ ભારતીય સેનાની રાજપૂતાના રાઈફલ્સમાં પોસ્ટેડ છે. અત્યાર સુધી નીરજને અનેક સન્માન મળ્યા છે. ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ પ્રથમ ભારતીય એથ્લેટ છે.


તેણે ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને મેડલ જીત્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તેમને 'મેજર ધ્યાનચંદ ખેલ રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં 384 સંરક્ષણ કર્મચારીઓને વીરતા અને અન્ય પુરસ્કારોથી સન્માનિત કરશે. આ પુરસ્કારોમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે.




ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓએ એક સાથે ગાયું રાષ્ટ્રગીત 


ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓએ 26 જાન્યુઆરી પહેલા એક મંચ પર આવીને રાષ્ટ્રગીત ગાયું છે. ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (IISM)ની એક પહેલ અંતર્ગત તમામ એથલીટ અને પેરા એથલીટની સાથે મળીને વીડિયો બનાવાયો છે. જેમાં તમામ ખેલાડીઓની ઉપલબ્ધિ બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું છે. આઈઆઈએસએમે 26 જાન્યુઆરી પહેલા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો શેર કર્યો છે, જેનો હેતું લોકોમાં રમત પ્રત્યે જાગૃતતા વધારવાનો છે.


આ રાષ્ટ્રગીત એથલીટ નીરજ ચોપડા, રવિ કુમાર, મીરાબાઈ ચાનુ, પીઆર શ્રીજેશ, લવલીના બોરોઘેન, સુમિત અંતિલ, મનીષ નરવાલ, પ્રમોદ ભગત, ભાવિના પટેલ, નિષાદ કુમાર, યોગેશ કથૂનિયા, દેવેંદ્ર ઝાંઝરિયા, પ્રવીણ કુમાર, સુહાસ યતિરાજ, શરદ કુમાર, હરવિંદર સિંહ અને મનોક સરકારે સાથે મળીને ગાયું છે. આ તમામે ટોક્યો રમતોત્સવમાં ભારતનું નામ રોશન કર્યુ હતું.


નીરજ ચોપડાએ શું કહ્યું


ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડાએ કહ્યું, એક સૈનિક તરીકે જ્યારે વિદેશી જમીન પર આપણું રાષ્ટ્રગીત સાંભળીએ ત્યારે ગર્વ થાય છે. જ્યારે તે ગાવામાં આવે છે ત્યારે બીજા દેશના લોકો પણ આપણને સન્માન આપે ચે. જે આપણા તમામ માટે ગર્વની વાત છે. નીરજ ચોપડાએ પણ તેના ટ્વીટર એકાઉન્ટ પરથી આ રાષ્ટ્રગીતનો વીડિયો શેર કર્યો છે. જેને ઘમા લોકો જોઈ ચુક્યા છે.


આઈઆઈએસએમે વર્ષ 2016માં પણ આવો એક વીડિયો બનાવ્યો હતો. જેમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ જેવા ખેલાડીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું.