Tokyo Olympics: કોરોનાના વધતા કેસને લીધે એક તરફ ટોક્યોમાં સરકારે ઈમરજન્સી લોકડાઉન જાહેર કર્યું છે. બીજી તરફ બહુમતિ નાગરિકોના ભારે વિરોધ વચ્ચે ઓલિમ્પિક રમતોત્સવને સાદગીભર્યા અને જૂજ આમંત્રિતોની હાજરીમાં યોજાયેલ ઉદઘાટન સમારંભ બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મેન્સ હોકીમાં ભારતે જીત સાથે શરૂઆત કરી છે. ભારતે આખરી ક્વાર્ટરમાં લીડ જાળવી રાખી હતી અને ન્યૂઝિલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ભારત માટે આ શાનદાર શરૂઆત છે. હરમનપ્રીતે ભારત તરફથી બે ગોલ્ડ કર્યા હતા, જ્યારે એક ગોલ રૂપેંદ્રએ કર્યો હતો.


મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચ્યો હતો. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો હતો. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.


આ દરમિયાન ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને ટોક્યોમાં મેડલ જીતનારા એથલેટના કોચ માટે પણ રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીના કોચને 12.5 લાખ, સિલ્વર મેડલ જીતનારા ખેલાડીના કોચને 10 લાખ અને બ્રોન્ઝ મેડલ જીતનારા ખેલાડીના કોચને 7.5 લાખ રૂપિયા અપાશે.






મણિપુરની રાજધાની ઇમ્ફાલની રહેવાસી મીરાબાઇ ચાનૂનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ ઇમ્ફાલમાં થયો હતો. 26 વર્ષીય મીરાબાઇને બાળપણથી તિરંદાજીનો શોખ હતો અને તે તેમાં કરિયર બનાવવા માંગતી હતી. પરંતુ આઠમા ધોરણ બાદ તેઓને વેટલિફ્ટિંગમાં રસ પડ્યો. બાદમાં વેટલિફ્ટિંગમાં પણ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. વાસ્તવમાં ઇમ્ફાલની વેટલિફ્ટર કુંજરાનીને પ્રેરણા માની ચાનૂએ વેટલિફ્ટિંગમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. ચાનૂએ 11 વર્ષની ઉંમરમાં એક લોકલ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાદમાં તેણે વૈશ્વિક અને એશિયાઇ જૂનિયર ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભાગ લઇને પોતાના ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી જ્યાં બંન્નેમાં મેડલ જીત્યા હતા.


મણિપુરની મીરાબાઈ ચાનૂને આટલી ઉંચાઈ સુધી પહોંચવું એટલું સરળ ન હતું. પોતાના સપનાને પૂરા કરવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. આ સફર દરમિયાન ચાનૂને તેના પરિવારનો પુરો સહયોગ મળ્યો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તેના માતા-પિતેએ દરેક મુશ્કેલીનો સામનો કરીને ચાનૂની આહાર સંબંધિત જરૂરતોથી લઈને બીજી અન્ય તમામ જરૂરતો પૂરી કરી. એનું જ આજે પરિણામ છે કે ચાનૂ સતત પોતાના પરિવાર અને દેશનું નામ ઉંચું કરી રહી છે.