ટોક્યો પેરાલિમ્પિકમાં (Olympic and Paralympic Games Tokyo) ભારતીય પેરાએથ્લિટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો હતો. ભારતે આજે ત્રણ મેડલ જીત્યા હતા. તિરંદાજીમાં હરવિંદર સિંહે બ્રોન્ઝ મેડલ, હાઇ જમ્પમાં પ્રવીણ કુમારે સિલ્વર મેડલ અને પેરાશૂટર અવનિ લખેરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં બે ગોલ્ડ, 6 સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.


ભારતમાં ટોક્યો પેરાલિમ્પિકના 11મા દિવસની શરૂઆત મિસ્ક્ડ 50 મીટર પિસ્તલ એસએચ1 ઇવેન્ટના ક્વોલિફિકેશન રાઉન્ડથી કરશે જ્યાં પુરુષોની 10 મીટર એર પિસ્તલ એસએચ 1 બ્રોન્ઝ વિજેતા સિંહરાજ મનીષ નરવાલ અને આકાશ સાથે પ્રતિસ્પર્ધા કરશે.


બાદમા બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL3, SL4, SH6 અને મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 સ્પર્ધાઓની સેમિફાઇનલમાં ભારતીય ખેલાડીઓ પ્રતિસ્પર્ધા કરશે. પ્રમોદ ભગત અને મનોજ સરકાર સંભવત  SL3 કેટેગરીમાં એક અખિલ ભારતીય ફાઇનલ સ્થાપિત કરી શકે છે.  પુરુષ સિંગલ્સ એસએલ4ની સેમિફાઇનલમાં યથિરાજ ઇન્ડોનેશિયાના ખેલાડી સામે ટકરાશે.


બાદમાં નવદીપ સિંહ પુરુષોની ભાલા ફેંક એફ41 ફાઇનલમાં ભાગ લેશે. નવદીપનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43.58 મીટરનું છે. આ પ્રદર્શનના આધાર પર તેઓ ટોચના ત્રણ ખેલાડીઓમાં સામેલ છે. તેઓ મેડલના દાવેદાર માનવામાં આવે છે.


ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે 37મા નંબર પર છે.  મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 85 ગોલ્ડ, 53 સિલ્વર અને 46 બ્રોન્ઝ મેડલ સાથે 184 મેડલ જીત્યા છે. બીજા નંબર પર ગ્રેટ બ્રિટન રહ્યું હતું જેણે 37 ગોલ્ડ મેડલ, 34 સિલ્વર મેડલ અને 40 બ્રોન્ઝ મેડલ સાથે 111 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર અમેરિકા આવી ગયું છે. જેણે 34 ગોલ્ડ મેડલ, 34 સિલ્વર મેડલ અને 24 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.