ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિકમાં(Olympic and Paralympic Games Tokyo) ભારતીય પેરાએથ્લિટ્સનું શાનદાર પ્રદર્શન યથાવત છે. તિરંદાજ હરવિંદર સિંહે (India's Harvinder Singh) કોરિયાના સૂ મિન કિમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 6-5થી મેચ જીતી હતી. પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતે પ્રથમવાર તિરંદાજીમાં મેડલ જીત્યો છે. વર્તમાન પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં બે ગોલ્ડ, 6 સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.










હરવિંદર સિંહ અને સૂ મિન કિમ વચ્ચે મુકાબલો રોમાંચક રહ્યો હતો. મેચનું પરિણામ શૂટઆઉટમાં આવ્યું હતું. જેમાં હરવિંદરે 10 અને સૂ મિન કિમે 8નો સ્કોર કર્યો હતો. આ અગાઉ પ્રથમ સેટ હરવિંદર સિંહે જીત્યો હતો. બાદમાં સૂ મિને વાપસી કરી હતી અને બીજો સેટ પોતાના નામે કર્યો હતો. હરવિંદર સિંહે ત્રીજો સેટ પોતાના નામે કર્યો હતો જ્યારે ચોથો સેટ ડ્રો રહ્યો હતો. બંન્ને ખેલાડીઓએ આ સેટમાં 25નો સ્કોર કર્યો હતો અને બાદમાં પાંચમો સેટ કોરિયાના સૂ મિને જીતી મેચ 5-5 પર પહોંચી હતી. અંતમાં મેચ શૂટઆઉટમાં પહોંચી હતી જેમાં હરવિંદર સિંહે બાજી મારી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે શુક્રવારે ભારતે ત્રણ મેડલ જીત્યા હતા. આ અગાઉ હાઇ જમ્પમાં પ્રવીણ કુમારે સિલ્વર મેડલ અને પેરાશૂટર અવનિ લખેરાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.